'સાત પટેલ છોકરીએ વિધર્મી બોયફ્રેન્ડ બનાવ્યા', કાજલ હિંદુસ્તાનીના નિવેદનથી હોબાળો
કાજલ હિંદુસ્તાની સામે વિવાદિત નિવેદનને લઈને મોરબીમાં ફરિયાદ નોંધાઈ છે
Kajal Hindustani: કાજલ હિન્દુસ્તાની ફરી વિવાદીત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, ત્યારે કાજલ હિંદુસ્તાનીએ પાટીદાર સમાજની યુવતીઓ અંગે વિવાદીત નિવેદન આપતા હોબાળો મચી ગયો છે. તેની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. પાટીદાર આગેવાન મનોજ પનારાએ કાજલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જાણો શું છે વિવાદ
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કાજલ હિન્દુસ્તાનીના એક નિવેદનથી હોબાળો મચી ગયો છે. મોરબીની એક જાહેર સભામાં તેણે કહ્યું હતું કે, 'મોરબીની એક જ કોલેજની સાત પટેલની દીકરીઓએ મુસ્લિમ બોયફ્રેન્ડ બનાવ્યા છે અને અંદરોઅંદર બોયફ્રેન્ડની અદલાબદલી કરે છે. આ સાતેયે મુસ્લિમ છોકરાને 40 લાખ રૂપિયાની ફોર-વ્હીલર ગિફ્ટ આપી દીધી હતી. પિતા પૈસા કમાવવામાં વ્યસ્ત છે અને માતા રીલ્સ બનાવવામાં મસ્ત છે, ઘરમાં કરોડો રૂપિયા પડ્યા હોય તેમાંથી બે-પાંચ લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની? છોકરીઓની ઉંમર 16-17 વર્ષની જ છે, વિચારી લો આ સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યો છે?'. આ નિવેદન બાદ પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને ફરિયાદ નોંધાવવાની પણ તજવીજ હાથ ધરાઈ છે.
કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલીમાં વધારો
કાજલ હિંદુસ્તાની સામે પાટીદાર સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાજલ હિન્દુસ્તાની સામે ધનજી પાટીદાર પોલીસ ફરિયાદ નોંધાવશે. ધનજી પાટીદારે કહ્યું કે, સમાજની દરેક સંસ્થાને સાથે રાખીને આંદોલન કરીશું. કોઈ પણ સમાજની દિકરી વિશે આવું નિવેદન વ્યાજબી નથી.'
કાજલ હિંદુસ્તાની કોણ છે?
કાલજ હિન્દુસ્તાનીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X'ના બાયોમાં ઉદ્યોગસાહસિક, સામાજિક કાર્યકર્તા, સંશોધન વિશ્લેષક, રાષ્ટ્રવાદી અને ગૌરવપૂર્ણ ભારતીય તરીકે વર્ણવે છે. 'X' પર 92,000 ફોલોઅર્સ છે. કાજલ હિન્દુસ્તાનીનું નામ કાજલ શિંગલા હતું અને તે પોતાને 'ગુજરાતની સિંહણ' કહે છે. તેણી કહે છે કે તે હંમેશા રાષ્ટ્રવાદી વિચારોને વળગી રહે છે અને તેથી જ તેણે કાલજ હિન્દુસ્તાનીના નામે 'X' પર એકાઉન્ટ પણ બનાવ્યું છે. કાજલ ટીવી ડિબેટ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેતી જોવા મળે છે. તે હંમેશા ભારતીય સંસ્કૃતિ અને ધર્મો વિશે જાગૃતિ ફેલાવવાની વાત કરતી જોવા મળે છે.