માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: રાજકોટની શાળામાં ધો.10ના વિદ્યાર્થીએ સહપાઠીને હાથમાં છરીના ઘા ઝીંક્યા
Rajkot News : ગુજરાતમાં લૂંટ, મારામારી સહિત ઘટનાનો સામે આવતી હોય છે, ત્યારે રાજકોટમાં ચોંકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ વાઈરલ થયા છે. જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીએ શાળામાં છરી લઈને પહોંચ્યો હતો અને સહપાઠી વિદ્યાર્થીને છરીના ઘા ઝીંક્યા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે, ત્યારે પોલીસે ઘટનાની નોંધ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી.
15 વર્ષીય વિદ્યાર્થી શાળામાં છરી લઈને પહોંચ્યો, સહપાઠીના હાથમાં ઘા ઝીંક્યા
મળતી માહિતી મુજબ, રાજકોટના રેલનગરની આશીર્વાદ શાળામાં ધોરણ 10માં ભણતો 15 વર્ષીય વિદ્યાર્થી છરી લઈ પહોંચ્યો હતો. સ્કૂલબેગમાં છરી લઈને ગયેલા સગીરે તેના સહપાઠીના હાથમાં છરીના ઘા ઝીંક્યા હતા. ઘટનામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યારે સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
વાઈરલ વીડિયોમાં જોવા મળે છે કે, શાળાના ક્લાસરૂમમાં કેટલાક વિદ્યાર્થીઓ બેઠા છે. જેમાં એક વિદ્યાર્થી પોતાની બેગમાંથી અનાચક છરી નીકાળે છે. ત્યારબાદ છેલ્લી બેંચે બેઠેલા એક વિદ્યાર્થી પાસે જાય છે અને કઈક વાતચીત કરીને ઝપાઝપી કરતો નજરે ચડે છે. આ દરમિયાન છેલ્લી બેંચે બેઠેલા વિદ્યાર્થીના હાથમાં છરી વાગતા છરી લઈને આવેલો વિદ્યાર્થીને છરી મુકી દે છે. જ્યારે અન્ય એક સીસીટીવીમાં શાળાના સંચાલક દ્વારા વિદ્યાર્થીની બેગ તપાસ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.