Get The App

દહેગામમાં ધો-૧૧ના વિદ્યાર્થીએ છરીના ઘા મારી વિદ્યાર્થીની હત્યાનો પ્રયાસ કર્યો

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
દહેગામમાં ધો-૧૧ના વિદ્યાર્થીએ છરીના ઘા મારી વિદ્યાર્થીની હત્યાનો પ્રયાસ કર્યો 1 - image


મ્યુનિસિપલ હાઇસ્કુલમાં પરીક્ષાખંડમાં શાંતિ રાખવા કહ્યું હતું

ગંભીર ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો  : હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

ગાંધીનગર :  દહેગામ શહેરમાં આવેલી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં ગઈકાલે પરીક્ષા ખંડમાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને શાંતિ જાળવવાનું કહેતા તેની અદાવત રાખીને હાઈસ્કૂલ બહાર છરીના ઘા મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘાયલ વિદ્યાર્થીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. જ્યાં ફરિયાદના આધારે આરોપી વિદ્યાર્થી સામે ગુનો દાખલ કરાયો છે.

હાલમાં શાળા કોલેજમાં પણ વિદ્યાર્થીઓ વચ્ચે નાની-નાની તકરાર ઉગ્ર સ્વરૃપ ધારણ કરી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામમાં નજીવી બાબતમાં પરીક્ષાખંડની અંદર બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી તકરારે ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું છે. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દહેગામના હરખજીના મુવાડા ગામમાં રહેતો વિદ્યાર્થી ધોરણ-૧૧માં મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. ગઈકાલે પરીક્ષા હોવાથી તે ઘરેથી નીકળ્યો હતો. આ દરમિયાન પરીક્ષા ખંડમાં પહોંચ્યા બાદ તેના જ વર્ગમાં અભ્યાસ કરતો અમરાજીના મુવાડા ગામનો વિદ્યાર્થી જોર જોરથી બોલતો હતો. જેના કારણે તેણે શાંત રહેવા માટે કહ્યું હતું. જેના પગલે આ વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો હતો અને કહ્યું હતું કે પરીક્ષા પછી તું બહાર આવ પછી તને બતાવું છું ત્યારબાદ પરીક્ષા પૂરી થયા બાદ આ વિદ્યાર્થી હાઈ સ્કુલની બહાર નીકળ્યો હતો તે દરમિયાન આ વિદ્યાર્થી દ્વારા તું પરીક્ષા ખંડમાં કેમ બોલતો હતો તેમ કહીને ગાળા ગાળી કરી તેના હાથમાં રહેલી છરી વડે હુમલો કરી દીધો હતો અને ગળાના ભાગે તેમજ ડાબા હાથે છરીના ઘા ઝીંકી દીધા હતા. આ મારામારીના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તુરંત જ ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે દહેગામની સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેના પિતાની ફરિયાદના આધારે દહેગામ પોલીસ દ્વારા આરોપી વિદ્યાર્થી સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News