વિશ્વામિત્રી નદીમાં પૂરના પાણી રોકવાની વાતો વચ્ચે લાખોના ખર્ચે ચેકડેમ બનશે
પૂરના પાણી રોકવા અથવા ડાયવર્ટ કરવાનો અસરકારક અમલ થતો નથી અને નદીમાં રૃા.૮૬ લાખનો ખર્ચ કરાશે
વડોદરા, તા.10
વડોદરામાં પૂરની સ્થિતિ માટે જવાબદાર વિશ્વામિત્રી નદીનું પાણી ડાયવર્ટ કરવાની વાતો વચ્ચે સાવલી તાલુકાના છેડાના ગામ ઇન્દ્રાડ પાસે વિશ્વામિત્રી નદીમાં લાખો રૃપિયાના ખર્ચે ચેકડેમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વડોદરામાં છેલ્લા પાંચ વર્ષમાં બે વખત ભારે પૂર માટે વિશ્વામિત્રી નદીનું પાણી જવાબદાર હતું. આજવા સરોવરમાંથી છોડાતુ પાણી વિશ્વામિત્રી નદીમાં આવતા વડોદરા શહેરમાં અચાનક જળસ્તરમાં વધારો થતાં તેનું પાણી શહેરમાં પ્રવેશે અને લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. વિશ્વામિત્રી નદીના પૂરથી શહેરીજનોને બચાવવા માટે યોગ્ય પ્લાનનો અમલ થતો નથી.
દરમિયાન વિશ્વામિત્રી નદીમાં રૃા.૮૬ લાખના ખર્ચે ચેકડેમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે માટે સિચાઇ વિભાગ દ્વારા કામગીરી પણ શરૃ કરી દેવામાં આવી છે. આ ચેકડમના લાખો રૃપિયાના ખર્ચથી વિશ્વામિત્રી નદીના પૂરથી નહી બચી શકાય પરંતુ પાણીનો સંગ્રહ થશે તેવો બચાવ કરવામાં આવી રહ્યો છે. આ ચેકડેમ વડોદરા તાલુકાના ભણીયારા ગામથી ઇન્દ્રાડ તરફ જતા રસ્તા પર વિશ્વામિત્રી નદીમાં બનાવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઇન્દ્રાડ ગામ પાસે વિશ્વામિત્રી નદીના બ્રિજ નીચે નીચવાસમાં ૩૦૦ મીટરના અંતરે આ ચેકડેમ બનાવવામાં આવશે. આ ચેકડેમની ઊંચાઇ ૨ મીટર તેમજ તેની લંબાઇ ૨૩ મીટર હશે. તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ચેકડેમથી પાણીનો સંગ્રહ થશે અને તેનાથી ગ્રાઉન્ડ વોટરનું લેવલ વધશે તેમજ ચેકડેમની આસપાસના લોકો પાણી લઇને સિંચાઇની વ્યવસ્થા કરી શકશે. આ ચેકડેમથી નદીમાં એકથી દોઢ કિલોમીટર અંતર સુધી પાણી ભરાશે. ચેકડેમમાં સાડા ત્રણ કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે.