વડોદરામાં રખડતા ઢોર માટે ખટંબા ખાતે 7.53 કરોડનો ખર્ચે કેટલ શેડ બનાવાશે
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં ખટંબા ખાતે કેટલ શેડ બનાવાશે. આ માટે 7.53 કરોડનો ખર્ચ થશે સ્ટેન્ડિંગ સમિતિમાં રજૂ થયેલી દરખાસ્ત મુજબ રેવન્યુ સર્વે નંબર 245 માં કેટલ શેડમાં કેટલ હોસ્પિટલ અને ડિસ્પેન્સરી પણ બનાવાશે. રાજયની મહાનગરપાલિકાઓને રખડતાં ઢોર નિયંત્રણ અંતર્ગત જરૂરી સુવિધાઓ સાથે નવા ઢોરવાડા ઊભા કરવા અથવા તો હાલના જે કોઈ ઢોરવાડાઓ છે તેમાં મૂળભૂત સુવિધાઓ વિકસાવવા માટેની સહાય આપવામાં આવી છે.
વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટી રખડતાં પશુઓને પકડી લાલબાગ, ખાસવાડી તથા ખટંબા સ્થિત ઢોર ડબ્બા (1) ખાતે રાખવામાં આવે છે. ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા અગાઉ 6 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. આ ઉપરાંત વર્ષ, 2024-25 માટે મ્યુનિસિપલ કોર્પોરેશનોને હાલના કેટલ પોન્ડસના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે 36 કરોડની સહાયની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાંથી વડોદરાને પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ રાખી હતી. કોર્પોરેશન હવે ખટંબા ખાતે (નં.-2 અને 3) બનાવવા જઈ રહી છે. જે બનતા 1,000 થી વધુ ઢોર રાખી શકાશે. ઢોર પકડવાની કામગીરી વધારવા કર્મચારીઓની વધુ ટીમો રાખવામાં આવશે અને આના માટે જરૂરી વાહનોની પણ ખરીદી કરવામાં આવનાર છે.