Get The App

નડિયાદ શહેરમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડમાં આખરે શખ્સ સામે ગુનો દાખલ

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
નડિયાદ શહેરમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડમાં આખરે શખ્સ સામે ગુનો દાખલ 1 - image


- મામલતદારે પીઆઈને ફરિયાદ નોંધવા અરજી આપી

- નવરંગ સોસાયટીમાંથી ગેસની 70 બોટલો સહિત 2.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો

નડિયાદ : નડિયાદની નવરંગ સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલું ગેરકાયદે ગેસ રી-ફીલિંગ કૌભાંડ ગુરૂવારે ઝડપાયું હતું. જોકે, ૨૪ કલાક બાદ પણ પોલીસ ફરિયાદ ન નોંધાતા તંત્રની રહેમનજર હેઠળ કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ લાગ્યા હતા. આ મામલે આખરે મામલતદારની અરજીના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધ્યો હતો.  

નડિયાદની નવરંગ સોસાયટીમાં રહેતો કિરીટ ઉર્ફે ગીરીશ ચીમન પટેલ સરકારી યોજના હેઠળ સબસિડીમાંથી મળતા ગેસના બોટલમાંથી ગેરકાયદે કોમર્શિયલ ગેસના બોટલમાં ગેસ ભરી આપતો હોવાની બાતમી એલસીબીને મળી હતી. જેના આધારે એલસીબીએ ગત ગુરૂવારે જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારને સાથે રાખી દરોડો કરી ગેસની ૭૦ બોટલો સહિત રૂ.૨.૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, પોલીસે મુદ્દામાલ સીઝ કર્યા બાદ ૨૪ કલાક વિત્યા છતાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. પરિણામે અનેક તર્ક-વિતર્ક ચર્ચાની એરણે ચઢ્યા હતા. તેમજ સરકારી અધિકારીઓની રહેમ નજર હેઠળ સમગ્ર કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ લાગ્યા હતા. ત્યારે આખરે નડિયાદ શહેર મામલતદાર સંદિપ જી. મિસ્ત્રીએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકના પીઆઈને ફરિયાદ નોંધવા માટે લેખિત અરજી આપી હતી. જેના આધારે પશ્ચિમ પોલીસે કિરીટ પટેલ સામે ગુનો નોંધ્યો હતો.  જિલ્લા પુરવઠા વિભાગ અને પોલીસની પ્રાથમિક પુછપરછમાં કિરીટ પટેલે જણાવ્યું હતું કે, તે અહીંયા છેલ્લા ચાર માસથી આ પ્રવૃત્તિ કરતો હતો. તેમજ ગેસ રી-ફીલિંગ કરી નાણાં ઉઘરાવતો હોવાની કબૂલાત કરી હતી. નોંધનીય છે કે, લાયસન્સ વિના રહેણાંક મકાનમાં આ વેપલો ચાલી રહ્યો હતો. તપાસ સમયે ગેસ સિલિન્ડરના ખરીદ-વેચાણ બિલો, વાઉચર સહિતનો કોઈ પ્રકારનો હિસાબી રેકર્ડ મળ્યો ન હતો.



Google NewsGoogle News