મુસ્લિમ મુસાફરખાનાના મેનેજર સામે ગુનો દાખલ
પથિક સોફ્ટવેરમાં હોટલનું રજીસ્ટ્રેશન કરાવ્યું નહતું
વડોદરા,પથિક સોફ્ટવેરમાં હોટલનું રજીસ્ટ્રેશન નહીં કરાવનાર મુસ્લિમ મુસાફરખાનાના મેનેજરની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
આગામી થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન અસામાજીક તત્વો વડોદરામાં આવી હોટલ કે ધર્મશાળામાં રાત્રિ રોકાણ કરી સૂલેહ શાંતિનો ભંગ ના કરે તે હોટલના સંચાલકોને મુસાફરોની વિગતો લખવા તથા તેમના આઇ.ડી. પ્રૂફ રાખવા માટે સૂચના આપવામાં આવી હતી. તેમજ હોટલમાં સીસીટીવી ફિટ કરી ત્રણ મહિનાનું બેકઅપ રાખવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. હોટલ તથા ધર્મશાળાના સંચાલકો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવે છે કે કેમ ? તે અંગે એસ.ઓ.જી. પોલીસ દ્વારા ચેકિંગ શરૃ કરવામાં આવ્યું છે. એસ.ઓ.જી.પી.આઇ. એસ.ડી. રાતડાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા વિવિધ હોટલોમાં તપાસ કરવામાં આવી રહી છે. સયાજીગંજ કડક બજાર ખાતે આવેલી મસ્જીદ ટ્રસ્ટ સંચાલિત મુસ્લિમ મુસાફર ખાનામાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મુસાફરોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવી નહતી. એટલું જ નહીં પથિક સોફ્ટવેરમાં હોટલનું રજીસ્ટ્રેશન પણ કર્યુ નહતું. જે અંગે પોલીસે સંચાલક મોહંમદહનિફ મલંગભાઇ બદામીવાલા (રહે. દૂધવાળો મહોલ્લો, પાણીગેટ) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.