જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં બેફામ ગતિએ કાર ચલાવીને અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો
Jamnagar Accident : જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રવિવારે બપોરે એક કાર ચાલક બેકાબૂ બન્યો હતો, અને બેફામગતિએ કાર ચલાવતાં અકસ્માતે કાર પલટી મારી અને આડે પડખે થઈ હતી. ઉપરાંત કાર ત્રણ સ્કૂટર સાથે પણ ટકરાઈ હતી જેના કારણે સ્કૂટરમાં પણ નુકસાની થઈ હતી. જ્યારે બે યુવક ઘાયલ થયા હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રવિવારે બપોરે જી.જે.03 એન.પી. 2662 નંબરની ઇકો કારનો ચાલક પુરપાટ ઝડપે પોતાની કાર લઈને નીકળ્યો હતો, અને નાની સાંકડી શેરીમાંથી કારને પસાર કરવા જતાં અકસ્માતે કાબુ ગુમાવી બેઠો હતો અને કાર આડે પડખે થઈને ઢસડાઈ હતી.
ત્યારબાદ કાર ત્યાં પડેલા ત્રણ સ્કૂટર સાથે ટકરાઈ ગઈ હતી, અને ત્રણેય સ્કૂટરમાં નુકસાની થઈ હતી. જયારે એક બાઈક પર બેઠેલા જાવેદ નાસીરભાઈ જોખિયા નામના 24 વર્ષના યુવાનને ઇજા થઈ હતી, તેમજ જગદીશ નામના અન્ય એક યુવાનને પણ ઈજા થઈ હતી, અને જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી.
જે ઇજાગ્રસ્ત યુવાન જાવેદ જોખીયાએ ઇકો કારના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટી બી. ડિવિઝન પોલીસે કાર કબજે કરી લઇ તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.