વડોદરાના રોયલ મેળાના સંચાલક, મેનેજર તથા હેલિકોપ્ટર રાઈડના ઓપરેટર સામે ગુનો દાખલ
Vadodara Royal Fair Case : વડોદરાના લાલબાગ બ્રિજ પાસે રોયલ મેળામાં બુધવારે રાત્રે હેલિકોપ્ટર રાઇડ તૂટવાની ઘટનાથી ચકચાર મચી છે. ભારે વિવાદ બાદ આખરે પોલીસે ઓપરેટર યુનુસ મામાદભાઈ રાઉમા (બાલમુકુંદ સોસાયટી ગોપાલ ચોક,રાજકોટ) , મેનેજર હેમરાજ દેવીદાસ મરાઠા (બાલમુકુંદ સોસાયટી મકરપુરા) અને સંચાલક નિલેશ હસમુખલાલ તુરખીયા (સાવન સાઇન 150 ફૂટ રીંગ રોડ રાજકોટ) સામે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર ઘટના કેવી રીતે બની અને તે કરુણાંતિકા સર્જાતા કેવી રીતે બચી ગઈ આવો જાણીએ...
સમગ્ર ઘટના અંગે કિશનવાડી મહાદેવ ચોકમાં રહેતા જયેશભાઈ જીવણભાઈએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે છેલ્લા 14 વર્ષથી નોકરી કરતા જયેશભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે 'કે ગઈકાલે બુધવારે સાંજે 7:00 વાગે હું તો તમારી પત્ની અને બાળકો લાલબાગ બ્રિજ પાસે રોયલ મેળામાં ગયા હતા ટિકિટ કાઉન્ટર ઉપરથી અમારા તમામની ટિકિટો લઈને અમે મેળામાં અંદર પહોંચ્યા હતા. સાડા સાત વાગે રોયલ મેળામાં આવેલ હેલિકોપ્ટર રાઈડમાં મારા નાના દીકરાને બેસવું હતું, જેથી ત્યાં ઊભા રહીને જોતા હતા. છ હેલિકોપ્ટર વાળી નાની રાઈડ હતી અને તેમાં નાના બાળકો બેઠા હતા અને મારા દીકરાને બેસવા માટે પચાસ રૂપિયાની ટિકિટ લઈ લાઇનમાં ઊભો રહ્યો હતો. રાઉન્ડ પૂરો થતાં હાજર ઓપરેટરે મારા દીકરાને હેલિકોપ્ટરમાં બેસાડ્યો હતો'.
કેવી રીતે બની દુર્ઘટના?
જયેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે 'રાઈડમાં અંદરની તરફ એક નાની છોકરી પણ બેઠી હતી મારો છોકરો બહાર કિનારે બેઠો હતો બધા બાળકો બેસી જતા ઓપરેટરે સ્વીચ પાડી દેતા રાઈડ ચાલુ થઈ ગઈ હતી બે થી ત્રણ ચક્કર ફર્યા બાદ અચાનક જ સ્પીડ વધી ગઈ હતી જેથી મારો દીકરો જે હેલિકોપ્ટરમાં બેઠો હતો તેનો દરવાજાનું લોક ખુલી ગયું હતું અને મારો દીકરો નીચે લટકીને પડી ગયો હતો. તાત્કાલિક મારા દીકરાને બહાર ખેંચી લીધો હતો'.
આ રીતે ટળી મોટી દુર્ઘટના
રાઇડ ચાલુ હોવાથી જયેશભાઈએ તેમના દીકરાને તેમની પત્નીને સોંપી બીજા છોકરાઓને બચાવવા માટે ગયા હતા, કારણ કે ઘટના બાદ ઓપરેટર રાઈડ બંધ કર્યા વગર ત્યાંથી ભાગી ગયો હતો. જયેશભાઈ રાઈડની સ્વીચ બંધ કરવા જતા હતા એટલામાં બીજા એક વ્યક્તિએ આવીને તાત્કાલિક સ્વીચ બોર્ડમાંથી રાઈડના વીજ વાયર ખેંચી લેતા હેલિકોપ્ટર રાઇડ ધીરે ધીરે ઊભી રહી ગઈ હતી.
આ સમગ્ર ઘટનામાં રાઈડના ઓપરેટર તથા મેળાના મેનેજર અને સંચાલકે યોગ્ય રીતે રાઈડની ચકાસણી કર્યા વગર ચાલુ રાખી બેદરકારી દાખવી હોવાના આરોપ લાગ્યા છે. જે મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.