ભીમદાડના શખ્સ સામે પ્રેમિકાને મરવા મજબૂર કર્યાનો ગુનો દાખલ
હવે મારી ઘરવાળી આવી ગઈ છે, તારે જીવવું હોય તો જીવ, મરવું હોય તો મર..
પોતે પરિણીત હોવાની વાત છૂપાવી ભાવનગરની મહિલાને પ્રેમજાળમાં ફસાવી દગો દીધો હતો, સાડા પાંચ માસ પૂર્વેની ઘટનામાં મૃતકના વૃદ્ધ માતાની પોલીસમાં ફરિયાદ
બનાવની જાણવા મળતી વિગત મુજબ ધોળકા તાલુકાના લીલિયા ગામના વતની અને ભાવનગર શહેરના કુંભારવાડા, નારી રોડ, અવેડા પાસે રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધા નંદાબેન ભુપતસિંહ ડોડિયાના પુત્રી નીકિતાબેનના લગ્ન ૧૭ વર્ષ પહેલા રોહિશાળા ગામે કનુભાઈ જીવરાજભાઈ વઘાસિયા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેણીને ત્રણ પુત્રી અને એક પુત્રના જન્મ થયા હતા. દરમિયાનમાં મેહુલ શામજીભાઈ ચેખલિયા (રહે, ભીમદાડ, તા.ગઢડા)નામના શખ્સે પોતે કુંવારો હોવાની ઓળખ આપી નીકિતાબેનનો વિશ્વાસ કેળવી પ્રેમજાળમાં ફસાવી તેણીના પતિ કરતા વધુ સારી રીતે રાખશે તેમ કહીં છુટાછેડા લેવાનું કહેતા નિકીતાબેનએ ચાર વર્ષ પૂર્વે પતિ સાથે છુટાછેડા લીધા હતા અને બાદમાં મેહુલ ચેખલિયાએ લગ્ન કર્યા વિના જ મહિલાને તેની સાથે રહેવા દબાણ કરી ગાળો દઈ શાંતિથી જીવવા નહીં દેવાની ધમકી આપી હતી. જ્યારે નીકિતાબેને પોતાની સાથે કાયદેસર લગ્ન કરવા અંગે વાત કરતા મેહુલે કહેલ કે, હવે મારી ઘરવાળી આવી ગઈ છે, એટલે તારે જ્યાં જવું હોય ત્યાં જા, જીવવું હોય તો જીવ અને મરવું હોય તો મર.. તેમ કહીં તેણીને મરવા મજબૂર કરતા નિકીતાબેને ગઇ તા.૧૪-૭-૨૦૨૪ના રોજ બપોરના ૧૨-૩૦ કલાકે બોટાદ-લાઠીદડ રેલવે સ્ટેશન વચ્ચેના ખુંટા નં.૭૯/૯ તથા ૮૦/૦ની વચ્ચેના રેલવે ટ્રેકમાં ટ્રેન નીચે પડતું મુકી દેતા તેણીનું કપાઈ જવાથી કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું.
દગાબાજ પરિણીત પ્રેમીના કારણે મહિલાએ જીવન ટૂંકાવી દીધાની ઘટનામાં મૃતકના માતા નંદાબેન ડોડિયાએ ગઈકાલે શુક્રવારે રાત્રિના સમયે મેહુલ શામજીભાઈ ચેખલિયા (રહે, ભીમદાડ, તા.ગઢડા) નામના શખ્સ સામે ગુનો દાખલ કરાવતા બોટાદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૮, ૩૫૨, ૩૫૧ (૩) મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.