Get The App

માતેલા સાંઢની જેમ નીકળેલી કારે પ્રૌઢનો ભોગ લીધો, વિદ્યાર્થિનીને ઈજા

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
માતેલા સાંઢની જેમ નીકળેલી કારે પ્રૌઢનો ભોગ લીધો,  વિદ્યાર્થિનીને ઈજા 1 - image


રાજકોટના ત્રિશુલ ચોકમાં નાસભાગ મચી ગઈ : કાર ચાલકને ડ્રાઈવીંગ આવડતું જ ન હતું, પોલીસે સાપરાધ મનુષ્યવધ જેવી આકરી કલમો હેઠળ ગુનો નોંધી અટકાયત કરી

રાજકોટ, : રાજકોટના સહકાર રોડ પરના ત્રિશુલ ચોકમાં આજે સવારે પુરપાટવેગે માતેલા સાંઢની જેમ નીકળેલી કારના ચાલકે એક રાહદારીને હડફેટે લીધા બાદ એક છાત્રાને હડફેટે લીધી હતી. જેમાંથી રાહદારીનું મોત નિપજયું હતું. આ ઘટનાને પગલે સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. ભક્તિનગર પોલીસે સાપરાધ મનુષ્યવધ જેવી આકરી કલમ  હેઠળ ગુનો દાખલ કરી લલુડી વોંકળી પાસે રહેતા કાર ચાલક સન્ની મહેન્દ્ર દાઈમાની અટકાયત કરી હતી. પોલીસે કારના માલીક સામે પણ મદદગારીનો ગુનો  નોંધ્યો છે. કાર માલીક પાસેથી અન્ય બે શખ્સો પાસેથી થઈ કાર સન્ની પાસે પહોંચી હતી. જેથી એકબીજાને ઉતરોતર કાર આપનાર તમામને પોલીસે આરોપી બનાવવાનો નિર્ણય લીધો છે. 

ચોંકાવનારી બાબત એ છે કે ચાલક સન્નીને કાર ચલાવતાં આવડતી જ ન હતી. જેને કારણે તેણે સ્ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવી આ જીવલેણ અકસ્માત સર્જયો હતો. સન્ની અગાઉ ચોરીના છ ગુનામાં પકડાઈ ચૂકયાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. 

મોટાભાગના પ્રાણઘાતક અકસ્માતો પાછળ વાહનની ઓવર સ્પીડ કારણભૂત હોય છે. આમ છતાં ઓવર સ્પીડથી દોડતાં વાહનો સામે પોલીસની ઢીલી નીતિને કારણે છાશવારે અકસ્માત અને પ્રાણઘાતક અકસ્માતો સર્જાય છે. આમ છતાં પોલીસ કયા કારથી ઓવર સ્પીડથી દોડતા વાહન સામે કડક કાર્યવાહી કરતી નથી તેવા સવાલો આજે ફરીથી ઉપસ્થિત થયા છે.

આ અકસ્માતમાં ઘાયલ કુમકુમ ચંદ્રેશભાઈ કાનાણી (ઉ.વ.19, રહે. હસનવાડી શેરી નં.2, ત્રિશુલ ચોક નજીક)ને પોલીસે ફરિયાદી બનાવી છે.  કુમકુમ કાલાવડ રોડ પરના આણંદપર ગામ પાસે આવેલી ગાર્ડી કોલેજમાં નર્સિંગના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે દરરોજ સવારે કોલેજ જવા માટે તે ત્રિશુલ ચોક પાસે આવતી હતી. જયાંથી કોલેજની બસમાં બેસતી હતી. નિત્યક્રમ મુજબ આજે સવારે પણ ત્રિશુલ ચોકમાં આવી હતી. તે વખતે તેની સાથે અભ્યાસ કરતી પ્રિયા અને મહિલા પ્રોફેસર પણ હતા. 

ત્રણેય બસની રાહ જોઈ ઉભા હતા ત્યારે લાલ કલરની બલેનો કાર ગાયત્રીનગર મેઈન રોડ પરથી વળાંક લઈ ઘસી આવી હતી. આ કાર એક બાઈકને હડફેટે લીધા બાદ પુરઝડપે આગળ વધી એક રાહદારીને હડફેટે લીધા હતા. એટલું જ નહીં તે રાહદારીને ઢસડી કાર તેમની તરફ ઘસી આવતાં બધાં ત્યાંથી ભાગ્યા હતા. 

પરંતુ તે ભાગી નહીં શકતા કારે તેને હડફેટે લીધા બાદ દુકાનના શટરમાં ઘુસી ગઈ હતી. ઈજા થતા તે બેશુદ્ધ જેવી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં જે રાહદારીને હડફેટે લેવાયા તેમનું નામ નલીનભાઈ નરોત્તમભાઈ સીધ્ધપુરા (ઉ.વ. 55, રહે. નારાયણનગર-ર, સહકાર મેઈન રોડ) હતું. તેને તત્કાળ સિવીલમાં ખસેડાયા હતા. જયાં તેનું મોત નિપજયું હતું. નલીનભાઈ ત્રણ ભાઈ અને એક બહેનમાં વચેટ હતા. ટેન્કરની ટાંકીઓ બનાવવાની સાથે ગેરેજનું કામ પણ કરતા હતા. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. સવારે વોકીંગમાં નીકળ્યા હતા ત્યારે કારની હડફેટે ચડી જતાં જીવ ગુમાવ્યો હતો.

આ અકસ્માતને પગલે ઉહાપોહ મચી ગયો હતો. ડીસીપી સજ્જનસિંહ પરમાર અને ભક્તિનગર પોલીસનો સ્ટાફ તત્કાળ સ્થળ પર પહોંચી ગયો હતો. જયારે કાર ચાલક અકસ્માત સર્જી કાર રેઢી મુકી ભાગી ગયો હતો. પોલીસે તેની તત્કાળ ઓળખ મેળવી મોડી સાંજે તેને ઝડપી લેવાયો હતો.  એવી માહિતી મળી છે કે કારનો માલીક અશોક કુસ્વાહ છે. તેની પાસેથી વિશાલ નામનો શખ્સ કાર લઈ ગયો હતો. વિશાલ પાસેથી ભરત અને ભરત પાસેથી સન્ની સુધી કાર પહોંચી હતી. સન્નીને ડ્રાઈવીંગ આવડતું નથી. સવારે લલુડી વોંકળી પાસેથી તે કાર લઈ નીકળ્યા બાદ અકસ્માત સર્જયો હતો.


Google NewsGoogle News