ઘરેથી ડેટા એન્ટ્રીમાં કમાણીની લાલચ આપી પૈસા પડાવતું કોલ સેન્ટર ઝડપાયું
ડેટા એન્ટ્રી કરી પાંચ દિવસમાં રૂ.25-30 હજાર કમાઓ : નાનપુરા ટીમલીયાવાડના ગાંધી પેલેસમાં એમેઝોન ઇઝી સેલમાં દરોડા : કોન્ટ્રાક્ટનો ભંગ કર્યો કહી પેનલ્ટીના નામે મોટી રકમ પડાવી લેવાતી હતી
21 દિવસ પહેલા પાંચમા માળે શરૂ કરાયેલા કોલ સેન્ટરમાંથી 37 મોબાઈલ ફોન, 6 લેપટોપ, 10 કોમ્પ્યુટર, રોકડા રૂ.11,530 મળી કુલ રૂ.2.57 લાખનો મુદ્દામાલ કબજે : મોટાભાગે ઝારખંડ અને મધ્યપ્રદેશના લોકોને છેતર્યા છે
- ડેટા એન્ટ્રી કરી પાંચ દિવસમાં રૂ.25-30 હજાર કમાઓ : નાનપુરા ટીમલીયાવાડના ગાંધી પેલેસમાં એમેઝોન ઇઝી સેલમાં દરોડા : કોન્ટ્રાક્ટનો ભંગ કર્યો કહી પેનલ્ટીના નામે મોટી રકમ પડાવી લેવાતી હતી
- 21 દિવસ પહેલા પાંચમા માળે શરૂ કરાયેલા કોલ સેન્ટરમાંથી 37 મોબાઈલ ફોન, 6 લેપટોપ, 10 કોમ્પ્યુટર, રોકડા રૂ.11,530 મળી કુલ રૂ.2.57 લાખનો મુદ્દામાલ કબજે : મોટાભાગે ઝારખંડ અને મધ્યપ્રદેશના લોકોને છેતર્યા છે
સુરત, : ઘરેથી ડેટા એન્ટ્રીનું કામ કરી પાંચ દિવસમાં 25 થી 30 હજાર કમાવાની લાલચ આપી બાદમાં કોન્ટ્રાકટ ભંગ કર્યો છે કહી પેનલ્ટીના નામે મોટી રકમ પડાવતા નાનપુરા ટીમલીયાવાડ ગાંધી પેલેસના પાંચમા માળે આવેલા એમેઝોન ઇઝી સેલ નામના કોલ સેન્ટરમાં પીસીબીએ ગતસાંજે રેઈડ કરી 7 કર્મચારીને ઝડપી પાડી તેમની પાસેથી 37 મોબાઈલ ફોન, 6 લેપટોપ, 10 કોમ્પ્યુટર, રોકડા રૂ.11,530 મળી કુલ રૂ.2.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. માત્ર 21 દિવસ અગાઉ શરૂ થયેલા અને મોટાભાગે ઝારખંડ અને મધ્યપ્રદેશના લોકોને છેતરતા કોલ સેન્ટરના સૂત્રધાર સહિત ચારને પીસીબીએ વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પીસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ.યોગેશભાઇ કંસારાભાઇ અને કોન્સ્ટેબલ શૈલેષ અશ્વીનભાઇને મળેલી બાતમીના આધારે પીસીબી પીઆઈ એસ.જે.ભાટીયા અને ટીમે ગતસાંજે નાનપુરા ટીમલીયાવાડ ગાંધી પેલેસના પાંચમા માળે એમેઝોન ઇઝી સેલ કોલ સેન્ટરમાં રેઈડ કરી હતી. પીસીબીએ અહીંથી વર્ક ફ્રોમ હોમના કોન્સેપ્ટના આધારે લોકોને ફોન કરી ઘરેથી ડેટા એન્ટ્રીનું કામ કરી પાંચ દિવસમાં 25 થી 30 હજાર કમાવાની લાલચ આપી રૂ.6700 ભરાવી એગ્રીમેન્ટ કર્યા બાદ INTRATECH કંપનીના ફોર્મ ડેટા એન્ટ્રી કરવા માટેની લીંક ઇમેઇલ મારફતે મોકલતા અને બાદમાં તેમને ઇમેઇલ કરી કે વ્હોટ્સએપ મેસેજ કરી કોન્ટ્રાકટ ભંગ કર્યો છે કહી કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની નોટીસો પાઠવી પેનલ્ટીના નામે મોટી રકમ અલગ અલગ બેંકોના એકાઉન્ટ નંબરોમાં ટ્રાન્સફર કરાવડાવી બળજબરીથી પૈસા પડાવતા કોલ સેન્ટરના સાત કર્મચારીને ઝડપી લીધા હતા.
પીસીબીએ તેમની પાસેથી 37 મોબાઈલ ફોન, 6 લેપટોપ, 10 કોમ્પ્યુટર, રોકડા રૂ.11,530 મળી કુલ રૂ.2.57 લાખનો મુદ્દામાલ કબજે કરી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પાર્લે પોઈન્ટ ખાતે રહેતા અને અગાઉ જલગાંવમાં પણ આવું જ કોલ સેન્ટર ચલાવતા ઝડપાયેલા નિતેશ ખીમાનીએ વિરેન બારને અને રીંકેશ પટેલ સાથે મળી 21 દિવસ અગાઉ જ આ કોલ સેન્ટર શરૂ કર્યું હતું. અહીંથી મોટાભાગે ઝારખંડ અને મધ્યપ્રદેશ ફોન કરી તેમની સાથે ઘર બેઠા કામ કરવાની લાલચ આપી ઠગાઈ કરવામાં આવતી હતી. પીસીબીને હાલ તો કોલ સેન્ટરમાંથી ધમકીભર્યા સંખ્યાબંધ મેસેજ તેમજ નાણાંકીય વ્યવહારોની વિગતો સાંપડી છે. પીસીબીએ નિતેશ ઉપરાંત અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કરી આ અંગે અઠવાલાઈન્સ પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કોણ કોણ પકડાયું
(1) ફ્લોર ઇન્ચાર્જ વિરેન નિતીનભાઇ બારને ( ઉ.વ.29, રહે.સી/617, હરીઓમનગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, પાંડેસરા, સુરત. મુળ રહે.ઘર નં.17, દેવકીનંદન સોસાયટી, મહાડ, જી.રાયગઢ, મહારાષ્ટ્ર )
(2) ફ્લોર ઇન્ચાર્જ રીંકેશ અશોકભાઇ પટેલ ( ઉ.વ.32, રહે.ઘર નં.બી/75, સાંઇ પેલેસ, પોલીસ ચોકી નાકા, નાનપુરા, ટીમલીયાવાડ, સુરત )
(3) ટેલીકોલીંગનું કામ કરતા નિખીલ નરસિંમ્હા દાસરી ( ઉ.વ.21, રહે.ઘર નં.970, ગલી નં.14, માનદરવાજા, ખટોદરા, સુરત. મુળ રહે. મનચરીયાલ નારસમપેટ, જી.મનચરીયાલ, તેલંગણા )
(4) ટેલીકોલીંગનું કામ કરતા તૌફીક મોહંમદ ઇકબાલ મલબારી ( ઉ.વ.23, રહે.ફ્લેટ નં.102, સાકીબ એપાર્ટમેન્ટ, સૈયદપુરા, લાલગેટ, સુરત )
(5) બેક ઓફીસ સંભાળતા એહમદ રઝા અલી રઝા ખાન ( ઉ.વ.20, રહે.ઘર નં.27/એ,
ગોવિંદનગર, લીંબાયત, સુરત. મુળ રહે.નાંદેમયગામ, જી.કૌશામ્બી, ઉત્તરપ્રદેશ )
(6) ટેલીકોલીંગનું કામ કરતા ભુષણ નિતીન પાટીલ ( ઉ.વ.20, રહે.ઘર નં.35, રામીપાર્ક સોસાયટી, ડિંડોલી, સુરત. મુળ રહે. મામલદગામ, તા.ચોપડા, જી.જલગાંવ, મહારાષ્ટ્ર )
(7) કોલસેન્ટર સુપરવાઇઝર સમીર અસ્લમ ઘાનીવાલા ( ઉ.વ.27, રહે.ફલેટ નં.106, બાગેફીઝા એપાર્ટમેન્ટ, શાહપોર, સૈયદપુરા માર્કેટ, લાલગેટ, સુરત )
વોન્ટેડ
(1) નિતેશ ખીમાની ( રહે. પાર્લેપોઇન્ટ, સુરત )
(2) એડવોકેટ નામનો વ્યક્તિ
(3) જયેશ નામનો વ્યક્તિ
(4) સૈયદ મોહંમદ અલી