સુરતમાં વેપારી ટ્રેડમિલ પર ચાલતા અચાનક ઢળી પડ્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ
Businessman died of A heart attack in Surat: હાલના સમયમાં હાર્ટ અટેકના લીધે મોત થયા હોવાના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાં કાપડના વેપારી જીમમાં કસરત કરતી વખતે અચાનક ઢળી પડ્યા હતા. વેપારીને CPR આપ્યા છતાં જીવ બચી શક્યો નહોતો. વેપારીને કસરત કરતી વખતે હાર્ટ એટેક આવતા ટ્રેડમિલ પરથી નીચે પડી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
મૃતક વેપારીની ફાઇલ તસવીર |
મળતી માહિતી અનુસાર, સુરતના ભટાર વિસ્તારમાં કાપડના વેપારી દ્વારકાદાસ મારુ (60 વર્ષ) જીમમાં ટ્રેડમિલ પર ચાલી રહ્યા હતા. આ દરમિયાન તે અચાનક ઢળી પડતા જીમમાં હાજર લોકો ભેગા થયા હતા અને વેપારીને CPR આપી ભાનમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, વેપારીને ભાનમાં ન આવતા તેને હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ તબીબે વેપારીને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેક આવ્યો હોવાથી દ્વારકાદાસનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું.
હાર્ટ એટેકથી બચવા શું કરવું જોઈએ
હેલ્થ એક્સપર્ટના મતે કસરત, ડાયટ, ઊંઘનો અભાવ, સ્ટ્રેસ, બ્લડ પ્રેશર, શુગર પણ હૃદય પર અસર કરે છે. આવી સ્થિતિમાં નિયમિત કસરત કરવા સિવાય જો તમે પૂરતી ઊંઘ, બ્લડ પ્રેશર, શુગર, સ્ટ્રેસ અને ડાયટ પ્રત્યે બેદરકારી દાખવશો, તો પણ હાર્ટ એટેકનો ખતરો રહે છે. તેથી આ બધી બાબતો પર ધ્યાન આપી હૃદયને સ્વસ્થ રાખી શકાય છે.