પોલીસની કામગીરી સામે હડતાલ પાડનારા બસ ડ્રાઈવરની એજન્સીને 15 લાખનો દંડ ફટકારાયો
સુરતમાં છાસવારે અકસ્માત માટે કુખ્યાત બનેલી પાલિકાની બસ સેવાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં અડાજણ વિસ્તારમાં પાલિકાની બસે એક મહિલાને અડફેટમાં લઈને મોત નિપજ્યું હતું. આ અકસ્માત થતા પોલીસે ડ્રાઈવરનો જાહેરમાં વરઘોડો કાઢી પાઠ ભણાવ્યો હતો. જોકે, પોલીસની કામગીરી બાદ ડ્રાઈવરોએ અચાનક હડતાલ પાડી ને બસ સેવા ખોરવી નાંખી હતી. જેના કારણે બસો પર નિર્ભર મુસાફરોને પડતી અસુવિધા પડી હતી અને પાલિકાની ઈમેજને પણ ધક્કો લાગ્યો હતો. આવી ઘટના ફરી વખત ન બને તે માટે સીટી લીંક દ્વારા બસ સેવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે તેવી ગ્રીન સેલ સુરત પ્રાઇવેટ લિમિટેડ 15 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે,.
સુરતના અડાજણ વિસ્તારમાં 3જી ડિસેમ્બર નાં રોજ જહાંગીરપુરાના સ્વના દિવ્યાબેન કલ્પેશભાઈ સોની પોતાના પુત્રને શાળાએ મૂકીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે આનંદ મહેલ રોડ પર બસ અડફેટે તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા બસ ચાલક વિરૂદ્ધ હિટ એન્ડ રનની ફરિયાદ દાખલ કરવાની સાથે આરોપી નો વરઘોડો કાઢવામાં આવ્યો હતો આ ઘટના બાદ બસ ચાલકોએ અચાનક 7 ડિસેમ્બરના રોજ હડતાળ કરી દીધી હતી. તેઓએ બસ ચાલક વિરૂદ્ધ કુખ્યાત અને અસામાજિક તત્વની જેમ કાર્યવાહી કરનાર પોલીસ કર્મચારીને પણ સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી હતી.
જોકે, ડ્રાઈવરોએ અચાનક હડતાલ કરતા 7 ડિસેમ્બરના રોજ ડ્રાઈવરોની હડતાલના કારણે સુરત સીટીલિંક બસો પર નિર્ભર મુસાફરોને પડતી અસુવિધા પડી હતી અને પાલિકાની ઈમેજને નુકસાન પહોંચ્યું હતું. 7 ડિસેમ્બરના રોજ મગોબ ડેપોમાંથી 77 બસો અને 61 વેસુ બસોમાંથી એક પણ તેના રૂટ પર સાંજે 5 વાગ્યા સુધી નથી.જેના કારણે મુસાફરોને હાલાકી થઈ હતી. આ પ્રકારની ઘટના ફરી ન બને તે તકેદારી રાખવા માટેની તાકીદ કરવા સાથે બસ ઓપરેશન સાથે સંકળાયેલી ગ્રીન સેલ સુરત પ્રાઇવેટ લિમિટેડને 15 લાખ રૂપિયાનો દંડ પાલિકાએ ફટકાર્યો છે.
સીટી બસમાં ટિકીટ કૌભાંડ બાદ 11 માસમાં 50 લાખનો દંડ, 657 કંડક્ટર બ્લેક લિસ્ટ
સુરત પાલિકા સંચાલિત સીટી બસમાં છાશવારે ટીકીટ ચોરીની ફરિયાદ ઉઠતી રહે છે. જેને પગલે પાલિકા દ્વારા વારંવાર બસમાં કંડક્ટર પૂરો પાડતી ફેર કલેક્શન એજન્સી સામે પગલાં લેવામાં આવતા હોય છે. જે અંતર્ગત છેલ્લા 11 માસ માં ફેર કલેક્શન એજન્સી આકાર, સૂકાની અને એમ.જે સોલંકીને છેલ્લા 11 માસમાં કુલ રૂ. 50,26,500 નો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ છેલ્લા એક વર્ષમાં કુલ 657 કંડકટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે.