Get The App

બનાસકાંઠામાં 1.5 કરોડ રૂપિયાનો વીમો પકવવા માટે દફનાવેલી લાશ લાવી કારમાં સળગાવી

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
બનાસકાંઠામાં 1.5 કરોડ રૂપિયાનો વીમો પકવવા માટે દફનાવેલી લાશ લાવી કારમાં સળગાવી 1 - image


Banaskantha Murder Insurance Case :  ગુનેગારોમાં હિન્દી સસ્પેન્સ ફિલ્મની કથાની અસર કેવી થાય છે તેનો કિસ્સો બનાસકાંઠામાં વડગામના ધનપુરામાં સામે આવ્યો છે. જેમાં માસ્ટર માઈન્ડ દલપતસિંહ નામના વ્યક્તિએ પોતાના જ મોતનું ષડયંત્ર રચ્યું હતું. દલપતસિંહ પર કરોડોનું દેવું થઈ ગયું હતું અને દલપતસિંહ આ દેવામાંથી મુક્ત થવા 1 કરોડનો વિમો લીધો હતો. 

જોકે વીમો ત્યારે જ મળે કે જ્યારે દલપતસિંહનું મોત થાય. જેથી દલપતસિંહ અને તેના મિત્રોએ દફનાવેલી ચાર માસ અગાઉ મૃત્યું પામેલા એક વ્યક્તિની લાશ લાવી હતી અને તેને કારમાં મૂકીને સળગાવી દીધી હતી. ત્યારબાદ આ લાશ દલપતસિંહ પરમારની છે અને દલપતસિંહ અકસ્માતે કારમાં સળગી મૃત્યુ પામ્યા છે તેવો દાવો કર્યો હતો. 

પોલીસ તપાસમાં સાબિત થયું હતું કે, જે વ્યક્તિની કારમાંથી લાશ મળી છે તે વ્યક્તિને આરોપીઓએ કબરમાંથી ખોદી લાવી સળગાવી હતી અને તે બાદ દલપતસિંહ અને તેના તમામ મિત્રો ભાગી છૂટયા હતા. જેમાં દલપતસિંહના ભાઈએ લાશને પોતાના ભાઈની લાશ હોવાનું ઓળખી બતાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આ તમામ મામલામાં પોલીસે તપાસ અંતે આ સમગ્ર કેસનો ભાંડો ફોડ્યો હતો. જેમાં ત્રણ આરોપીઓ પકડાયા છે અને માસ્ટર માઈન્ડ દલપતસિંહ પરમારની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો: રાષ્ટ્રીય શોક વચ્ચે સુરેન્દ્રનગરના ગ્લોબલ મેગા એક્સપો કાર્યક્રમમાં ગુજરાતી અભિનેત્રીના ઠુમકા

વડગામના ધનપુરા ધાણધા ગામમાં શુક્રવારે પોલીસને એક સળગેલી કાર મળી આવી હતી. આ કારમાં ભડથું હાલતમાં એક વ્યક્તિની લાશ પણ હતી. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી અને કારમાં ડ્રાઇવર સીટ પર બેઠેલી વ્યક્તિનું સળગી જવાથી મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે કંકાલ બની ગયેલા હાડકાના અવશેષોનો એફએસએલ અને ડીએનએ રિપોર્ટ તપાસ માટે મોકલ્યો હતો. 

જોકે ક્રાઈમ સ્પોટ ઉપરની થીયરી જોતા પોલીસે આ મામલો કોઈ મોટા ષડ્યંત્ર હોવાનું માની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન પોલીસને મહત્વના પુરાવા મળ્યા હતા અને આ પુરાવામાં સાબિત થયું હતું કે, ચાર માસ અગાઉ મરી ગયેલા વ્યક્તિની લાશ લાવી સળગાવી મુખ્ય આરોપી દલપતસિંહ પરમાર દ્વારા એક કરોડનો વીમો મેળવવા મોતનું તરકટ રચ્યું હતું અને તે રીતે દેવામાંથી મુક્તિ મેળવવા આ અપરાધ કર્યો હતો.


Google NewsGoogle News