ગાંધીધામમાં સ્પાની આડમાં ધમધમતા કુટણખાનાનો પર્દાફાશ, સંચાલક ઝડપાયો
સ્પામાં દેહ વ્યાપાર કરતી ૩ પરપ્રાંતીય મહિલાઓને મુક્ત કારવાઈ
ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આ દરોડો પાડયો હતો. પોલીસ સ્ટેશનેથી મળેલી વિગતો મુજબ કચ્છ કલા કોમ્પલેક્ષ બિલ્ડીંગમાં પહેલા માળે ધ કેપીટલ થાઈ સ્પામાં ગુરુવારે સાંજે દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્પામાં મહિલાઓ પાસે દેહવ્યાપારનો ધંધો કરાવાતો હતો. સ્પામાં આવતા ગ્રાહકોને મસાજની આડમાં મહિલાઓ સાથે શરીર સુખ માણવાની સવલતો પુરી પાડી કુટણખાનું ચલાવાતું હોવાનું દરોડા દરમિયાન બહાર આવતા કુલ ત્રણ પૂર્વ ભારતીય મહિલાઓને પોલીસે મુક્ત કરાવી હતી. સ્થળ પરથી મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે મુળ રાજકોટના ગોંડલના અને હાલે મેઘપર કુંભારડીમાં રહેતા રાજવીર પ્રવીણભાઈ ગઢવીની ધરપકડ કરવામાં આવી છે. આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
૨ દિવસ બાદ ફરી ઝડપાયેલા સંચાલક દ્વારા સ્પા શરૂ પણ કરી દેવાશે..!!
ગાંધીધામમાં છેલ્લા એકાદ વર્ષમાં એસ.પી.ને લોક સંવાદ સમયે જાહેરમાં સ્પા બંધ કરાવવા અંગે રજૂઆત કરવામાં આવતા લગભગ ૫-૬ જેટલા પોલીસે દરોડા પાડી દેહવ્યાપાર થતો હોવાનું જાહેર કર્યું હતું. નવાઈની વાત એ છે કે આ બાબતે એસ.પી.નું કડક વલણ હોવા છતાં જેટલા પણ સ્પા પર દરોડા પડયા તે દરોડાના બે જ દિવસ બાદ એના એ જ સંચાલકો દ્વારા ફરી એ જ સ્થળ પર સ્પા શરૂ કરી નાખી ફરી દેહવ્યાપારનો ધંધો શરૂ કરી નાખવામાં આવ્યો છે. દરોડા બાદ પોલીસ સાથે સેટિંગ થઈ જતું હોવાથી ૨ દિવસમાં જ સ્પા ફરી ચાલુ થઈ જતાં હોવાના આક્ષેપો વચ્ચે ફરી હાલમાં જ દરોડો પાડેલો સ્પા પણ ૨ દિવસમાં ફરી ખૂલી જશે તેવી ચર્ચાઓ સાંભળવા મળી રહી છે.