સોશ્યલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા દલાલે રૂ.1.04 કરોડના હીરા લઈ પેમેન્ટ આપ્યું નહીં
વેસુના દલાલ જેનીશ ડાયાણીએ મૂળ ભાવનગરના વેપારી સંજયભાઈ નાવડીયાને ચૂનો માર્યો : દિલ્હીના વેપારીઓને મળવા પણ લઈ ગયો હતો
વેપારી પાસે પત્નીના ઓપરેશન માટે પણ રૂ.4.89 લાખ લેનાર જેનીશે દિલ્હીના વેપારી પાસેથી પેમેન્ટ લઈ વેપારીને આપ્યું નહોતું
- વેસુના દલાલ જેનીશ ડાયાણીએ મૂળ ભાવનગરના વેપારી સંજયભાઈ નાવડીયાને ચૂનો માર્યો : દિલ્હીના વેપારીઓને મળવા પણ લઈ ગયો હતો
- વેપારી પાસે પત્નીના ઓપરેશન માટે પણ રૂ.4.89 લાખ લેનાર જેનીશે દિલ્હીના વેપારી પાસેથી પેમેન્ટ લઈ વેપારીને આપ્યું નહોતું
સુરત, : સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા અને ઘરેથી વેપાર કરતા તેમજ મહિધરપુરા હીરાબજારમાં ઓફિસ ધરાવતા મૂળ ભાવનગરના હીરા વેપારી પાસેથી સોશ્યલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા વેસુના હીરા દલાલે રૂ.1.04 કરોડના હીરા લઈ પેમેન્ટ નહીં કરતા સિંગણપોર પોલીસે ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગર વલ્લભીપુરના લુમધરા ગામના વતની અને સુરતમાં સિંગણપોર પોલીસ સ્ટેશનની બાજુમાં પુષ્પવાટીકા સોસાયટી ઘર નં.8 46 વર્ષીય સંજયભાઈ નાગજીભાઈ નાવડીયા ઘરેથી તેમજ મહિધરપુરા હીરાબજાર ખાતે ક્રિષ્ના જવેલના નામે હીરાનો વેપાર કરે છે.દિલ્હી અને કોકલટતા ખાતે હીરા વેચતા સંજયભાઈ સોશ્યલ મીડિયા મારફતે છ મહિના અગાઉ હીરાદલાલ જેનીશ પ્રકાશભાઈ ડાયાણી ( રહે.એલ/103, જોલી રેસીડેન્સી, વિજય લક્ષ્મી હોલની પાસે, વેસુ ચોકડી, સુરત ) ના સંપર્કમાં આવ્યા હતા.વાતચીત દરમિયાન જેનીશે દિલ્હી ખાતે ઘણા વેપારીઓ સાથે પરિચય છે તેમ કહ્યું હતું અને 11 એપ્રિલના રોજ તે સંજયભાઈને સુરતથી ફ્લાઈટમાં દિલ્હી લઈ ગયો હતો.ત્યાં જેનીશે 10 દિવસ રોકાણ કરાવી અલગ અલગ જવેલર્સમાં અને હીરા વેપારીઓ સાથે સંજયભાઈની મુલાકાત કરાવી હતી.
બાદમાં સુરત ફરેલા સંજયભાઇએ જેનીશને 28 એપ્રિલથી 4 જુલાઈ દરમિયાન કુલ રૂ.86,42,071 ના લેબગ્રોન પોલિશ્ડ હીરા આપ્યા હતા.તેમાંથી જેનીશે માત્ર રૂ.1.41 લાખ ચૂકવી બાકીની રકમના ચેકનું સ્ટોપ પેમેન્ટ કરાવ્યું હતું.ઉપરાંત, જેનીશે દિલ્હી ખાતે જૈન ડી.આર્ટ કંપનીને રૂ.14,93,958 નો માલ અપાવ્યો હતો.તેમાંથી જે રૂ.6.99 લાખનું પેમેન્ટ કંપનીએ સંજયભાઈને આપ્યું હતું તેમાંથી જેનીશે રૂ.4.89 લાખ પત્નીના ઓપરેશનની જરૂર છે કહી સંજયભાઈ પાસે લીધા હતા.જયારે બાકીના રૂ.7,94,953 અને કોલકત્તાની રીયાન ક્રિએશન પ્રા.લી ના રૂ.6,26,090 પણ જેનીશે સંજયભાઈની જાણ બહાર પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા.કુલ રૂ.1,04,05,071 ની ઠગાઈ કરનાર જેનીશ વિરુદ્ધ સંજયભાઇએ ગતરોજ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ વી.જે.જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.