વાગડમાં મુંબઈગરા ખેડૂતની જમીન પર માથાભારે શખ્સે કબ્જો કર્યો
વહીવટી તંત્રએ દાદ ન આપી, કોર્ટનાં હુકમ બાદ ગુનો નોંધાયો
છાડવાડા સીમના ખેતરમાં 70 વર્ષ જુના વૃક્ષો કાપી નાખ્યા, માટી ચોરી કરી પાંચ લાખનું નુકસાન કરી દબાણ કરી લેવાયું
મુળ રાપરના ચિત્રોડના હાલે વસઈ વેસ્ટ મુંબઈ રહેતા ૪૦ વર્ષીય વિનોદ જેરામ કાપડીએ ભચાઉનાં પીરની દરગાહ સામે રહેતા આરોપી હિતેન્દ્ર નાનાલાલ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે, ફરિયાદીની ભચાઉનાં છાડવાડાની સીમમાં સર્વે નં ૮૨૮ પૈકી ૨ વાળું ખેતર આવેલું છે. જે ખેતરનું ધોવાણ ન થાય તે માટે ફરિયાદીનાં વડીલોએ અગાઉ ૭૦ વર્ષ પહેલા ખેતરના શેઢા પર વૃક્ષો વાવ્યા હતા. જેમાં ફરિયાદી પોતાના પરિવાર સાથે મુંબઈ રહેતા હોવાનો લાભ લઇ આરોપી હિતેન્દ્રએ ખેતરમાં ગેરકાયદે અપપ્રવેશ કરી ખેતરમાં વાવેલા લીમડો, ખેજડો, ઝારા, બોરડી અને અન્ય નાના મોટા વૃક્ષો કાપી નાખ્યા હતા અને ખેતર પર દબાણ કર્યું હતુ. તેમજ જમીનમાંથી આશરે ૩ હજાર ટ્રોલી ભરાય તેટલી કિંમતી માટી ઉપાડી વૃક્ષોના લાકડા કાપી ચોરી કરી ફરિયાદીનાં ખેતરમાં પાંચ લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડયું હતુ. જેની જાણ થતા ફરિયાદીએ આરોપીને આ અંગે ઠપકો આપી ખેતરમાંથી ચાલી જવાનું કેહતા આરોપીએ ફરિયાદીને ગાળો આપી ધાકધમકી કરી હતી અને કહ્યું હતુ કે આ ખેતર હવે મારો છે બીજીવાર ખેતરે આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ફરિયાદીએ આ માથાભારે શખ્સ વિરુદ્ધ ગત ૪ જુલાઈ ૨૦૨૪નાં બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી રજુઆત કરી હતી. જેમાં સ્થાનિક પોલીસે દાદ ન આપતા ફરિયાદીએ એસ. પી. કચેરી ગાંધીધામ ખાતે ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે કોઈ પણ કાર્યવાહી ન કરતા ફરિયાદીએ આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ તળે નોંધાવી હતી.જેમાં આરોપી વિરુદ્ધ ગુનો ન નોંધાતા અંતે ફરિયાદીએ સમગ્ર બનાવ અંગે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગુનાની ગંભીરતા જોઈ કોર્ટે આરોપી હિતેન્દ્ર વિરુદ્ધ ગુનો નોંધવાનો હુકમ કરતા ભચાઉ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.