જામનગરના બ્રાસપાર્ટના એક કારખાનેદાર હરિયાણાની મહિલા કારખાનેદારની છેતરપિંડીનો શિકાર બન્યા
Image Source: Freepik
જામનગરના વધુ એક બ્રાસપાર્ટના વેપારી છેતરપિંડીનો શિકાર બન્યા છે, અને હરિયાણાની એક મહિલા કારખાનેદારે કટકે કટકે રૂપિયા 21.91 લાખનો બ્રાસપાર્ટનો માલ સામાન ખરીદ કર્યા પછી તેના પૈસા નહીં ચૂકવી હાથ ખંખેરીલેતાં મહિલા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58માં રહેતા, અને ઉદ્યોગ નગરમાં બ્રાસપાર્ટ નું કારખાનું ચલાવતા ભાવિનભાઈ રમેશભાઈ મંગે નામના ભાનુશાલી વેપારીએ હરિયાણા રાજ્યના ફરીદાબાદ ની વતની મંજુબેન વિવેકભાઈ પાંડે સામે રૂપિયા 21,91,180ની રકમ નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
પોલીસમાં જાહેર કર્યા અનુસાર ફરિયાદી ભાવિનભાઈ 2006થી આરોપી મહિલા મંજુબેન પાંડે કે જેઓ હરિયાણામાં દુર્ગા એન્જિનિયરિંગ નામનું કારખાનું ચલાવે છે તેની સાથે માલસામાનની ખરીદ વેચાણ કરતા હતા. જે લાંબા સમયના પરિચય બાદ સને 2015થી 2020ના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કટકે કટકે 21.91 લાખનો બ્રાસનો સામાન મોકલાવ્યો હતો. જેની રકમ માટે અનેક વખત માંગણી કરી હતી, પરંતુ મંજુબેન પાંડે પૈસા ચૂકવતા ન હતા, અને હરિયાણા રાજ્ય છોડીને હાલ ઉત્તર પ્રદેશના કાનપુરમાં રહેવા માટે ચાલી ગઈ હતી.
આખરે આ મામલો સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને મહિલા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એલ બી. જાડેજાએ ગુનો નોંધી તપાસ નો દોર ઉત્તર પ્રદેશ તરફ લંબાવ્યો છે.