કોચીની ટીમના નિરીક્ષણ બાદ સુરતમાં વોટર મેટ્રો માટે તાપી નદીના 22 કિમીના રૂટમાં બાયોમેટ્રીક સર્વે તાત્કાલિક કરાવવા પડશે
Surat Water Metro Project : સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદી સુરતની પીવાના પાણી માટે જીવાદોરી છે પરંતુ હવે તાપી નદી પર બેરેજ સાકાર થાય પછી સુરત પાલિકા તાપી નદીનો મહત્તમ ઉપયોગ કરીને તાપી રિવરફ્રન્ટ ધ્યાને રાખીને વોટર મેટ્રો માટે આયોજન કરી રહી છે. આ પ્રોજેક્ટ માટે કોચીની ટીમ દસેક દિવસ પહેલાં સુરત આવી હતી અને તેઓએ વિવિધ પ્રકારની માહિતી મેળવી હતી. જોકે, સુરત અને કોચીની ભૌગોલિક સ્થિતિ અને નદીની સ્થિતિ અલગ-અલગ હોવાથી કોચી જેનું મોડલ સુરતમાં શક્ય નથી, પરંતુ જો સુરત વોટર મેટ્રો માટે તૈયાર હોય તો વિવિધ પ્રકારના સર્વે કોચીની ટીમને આપવા પડશે તેવી વાત કરી હતી. જેના આધારે સુરત પાલિકાએ વિવિધ માહિતી ભેગી કરવાનું શરુ કર્યું છે જેમાં નદીના 22 કિલોમીટરના રૂટમાં બંને કાંઠે ડોકિંગ સ્ટેશનના લોકેશન સહિતની માહિતી ભેગી કરવામાં આવશે.
સુરત ભારતમાં સૌથી બેસ્ટ કનેક્ટેડ સીટી તરીકે ઉભરી રહ્યું છે. સુરતમાં રોડ (એક્સપ્રેસ હાઈવે) બુલેટ ટ્રેન, મેટ્રો અને પોર્ટ જેવી કન્ટેટીવીટી પણ મળી શકે છે. પાલિકાના બજેટમાં પણ આ અંગે જોગવાઈ કરવામાં આવી હતી અને તે માટે ફીજીબૂીલીટી રિપોર્ટ પણ ચકાસણી કરવા જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ દસેક દિવસ પહેલા સુરત આવેલી કોચીની ટીમે ટેકનીકલ ટીમે તાપી નદીમાં 22 કિલોમીટર લંબાઈમાં બોટમાંથી બંને કાંઠા તરફના નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પ્રાથમિક તારણમાં વિયરથી અપસ્ટ્રીમમાં 22 કિલોમીટર લંબાઈમાં વોટર મેટ્રો શક્ય છે પરંતુ કોચીમાં કાર્યરત વોટર મેટ્રોની રેપ્લિકા બની શકે તેમ નથી તેવો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો.
સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં કયા પ્રકારે વોટર મેટ્રો કે ફેરી સર્વિસ જેવી સુવિધા શરૂ કરી શકાય? તે અંગેના વિગતવાર અભિપ્રાય પૂર્વે ઘણા સર્વે રેકોર્ડની જરૂરી બનશે. હાલમાં જ કોચીની ટીમે સુરત પાલિકાને મેઈલ મારફતે જાણ કરીને કહ્યું છે કે, સુરતની તાપી નદી તથા જે 22 કિલોમીટરના વિસ્તારમાં રૂટ સૂચિત છે તેના આધારે પાલિકા ક્યા પ્રકારની ટ્રાન્સપોર્ટ સુવિધા ઉભી કરવા માંગે છે તેની માહિતી કોચીની ટીમે પાલિકા પાસે માંગી છે.
પાલિકા પાસેથી મળતી માહિતી પ્રમાણે કોચીની ટીમ દ્વારા 22 કિલોમીટરના રૂટમાં નદીના બંને કાંઠે ડોકિંગ સ્ટેશનના લોકેશન, બંને બાજુ ઓછામાં ઓછા બે ટર્મિનલ, પાર્કિંગ સ્પેસની ઉપલબ્ધતા વગેરે વિગતો પણ મંગાવી છે. સૌથી મહત્વપૂર્ણ રીવર બેડ લેવલ, પ્રોફાઈલ, સમર ચેનલ વગેરે વિગતો માટે બધી મેટ્રીક સર્વે રિપોર્ટ પાલિકાએ કોચીની ટીમને આપવાનો રહેશે. ઉપરાંત સર્વેમાં વોટર મેટ્રો કે અન્ય ફેરી સર્વિસ જેવી સુવિધા શરૂ કરવા માટે ટ્રાન્સપોર્ટેશન રૂટ પર નદીની ઊંડાઈ જાળવી ખૂબ જ જરૂરી છે. સુરત પાલિકા પાસે આ પ્રકારનો સર્વે ઉપલબ્ધ છે કે કેમ? તે અંગે હાલ જાણકારી મળી શકી નથી. પરંતુ પાલિકાએ પાસે સર્વે ઉપલબ્ધ ન હોય તો તાત્કાલિક બાયોમેટ્રીક સર્વે કરવાની જરૂરિયાત ઊભી થશે. આ મેલ આવતા સુરત પાલિકાએ તાપી નદી તથા વોટર મેટ્રો માટે જરૂરી સર્વે માટે કવાયત શરુ કરી દીધી છે.