અંબાજીના ભક્તો માટે લેવાયો મોટો નિર્ણય, હવે ગબ્બર પરિક્રમા રાત્રિ દરમિયાન પણ કરી શકાશે
5થી 6 કરોડના ખર્ચે ડોમ અને લાઇટિંગનું કામ કરવામાં આવશે
Ambaji temple: આસ્થા તીર્થ અંબાજી અનેરી આધ્યાત્મિક ઉર્જાનું પ્રતીક છે. દેશ-વિદેશના અનેક શ્રધ્ધાળુઓમાં માં અંબાના ચરણોમાં આવી ધન્યતા અનુભવે છે. ધાર્મિક ક્ષેત્રે ઉન્નત અને આગવું સ્થાન ધરાવતું અંબાજી સાંપ્રત સમયમાં ગબ્બર પર્વત ખાતે આવેલ 51 શક્તિપીઠ પરિક્રમા પથના લીધે વિશેષ બન્યું છે. ત્યારે યાત્રાળુઓ માટે મોટો નિર્ણય લેવાયો છે. હવે યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પરિક્રમા હવે રાત્રિ દરમિયાન પણ કરી શકાશે.
ગબ્બર પરિક્રમા પર લોખંડની જાળીવાળો ડોમ લગાવવામાં આવશે
યાત્રાળુઓને સુરક્ષાને ધ્યાનમાં લઈ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર દ્વારા ગબ્બર પરિક્રમા એરિયામાં લોખંડની જાળીવાળો ડોમ અને લાઇટિંગની વ્યવસ્થા ઉભી કરાશે. અંદાજિત 5થી 6 કરોડના ખર્ચે ડોમ અને લાઇટિંગનું કામ કરવામાં આવશે. આગામી ફેબ્રુઆરીમાં યોજાનાર પરિક્રમા મહોત્સવ પહેલા આ કામ પૂર્ણ થઈ જવાની સંભાવના છે.
હાલમાં ગબ્બર પરિક્રમા પર લોખંડની જાળીવાળો ડોમ લગાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ખાસ કરીને ગબ્બર પરિક્રમા દરમિયાન રાત્રિના સમયે જીવલેણ જાનવરોનો સૌથી વધુ ભય રહે છે. આ ભયને કારણે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. માઇ ભક્તો રાત્રિ દરમિયાન પણ ગબ્બરની પરિક્રમા કરી શકે અને ભક્તોની સલામતી જળવાય તે માટે આ પ્રયાસ થઇ રહ્યો છે.