Get The App

મહાકુંભ દુર્ઘટનામાં ગોધરાના 7 વર્ષના બાળકને ભીડે રગદોળ્યો, માંડ માંડ બચ્યો

ભાગદોડમાં ગુમ થયેલી પરિવારની 3 મહિલાઓનું 12 કલાક બાદ મિલન થયું, મહિલાઓને શોધવા મૃતદેહો ફંફોળતી વખતે કંપારી છૂટી ગઇ

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
મહાકુંભ દુર્ઘટનામાં ગોધરાના 7 વર્ષના બાળકને ભીડે રગદોળ્યો, માંડ માંડ બચ્યો 1 - image


ગોધરા : પ્રયાગરાજના મહાકુંભમાં મૌની અમાવસ્યા પર અમૃત સ્નાન કરવા માટે  મંગળવાર રાતથી સંગમ કિનારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. જેમા ગોધરાના ૭ સભ્યનો પરિવાર મંગળવારની મધરાતે સંગમ ઘાટ તરફ સ્નાન કરવા ૧.૩૦ કલાકે જઈ રહ્યું હતું. તે દરમ્યાન અચાનક જ બેરીકેટ તુટતા ભાગદોડ મચી ગઈ હતી. જેમાં પરિવારનો ૭ વર્ષનો કિશોર દબાઈ ગયો હતો. બાળકે ભારે બૂમાબૂમ કરતા ઉત્તર પ્રદેશ પોલીસ મદદ માટે દોડી આવી હતી કિશોરને બચાવી લેવાયો હતો.

ગોધરાના સિંદુરીમાતા મંદિર વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ ઢોલી, તેમના પત્ની આશાબેન, ૭ વર્ષનો પુત્ર મૌલેષ અન્ય સંબંધીઓ પ્રેમીલાબેન, સુખીબેન, બેબીલાબેન તથા ચિરાગભાઈ રાવલ તા.૨૭ જાન્યુઆરીના રોજ પ્રયાગરાજ ખાતે કુંભ મેળમાં પહોચ્યા હતા. મંગળવારની રાત્રીએ અમૃત સ્નાન કરવા માટે સંગમ કિનારે સ્નાન કરવા માટે ચાલતા નીકળ્યા હતા. ત્યારે મધરાતે ૧.૩૦ કલાકની આસપાસ અચાનક જ બેરીકેડ તુટી પડતા ભાગદોડ મચી ગઈ હતી. ભારે ભાગદોડના પગલે પરિવાર વિખુટો પડી ગયો હતો. નાસભાગમાં ભાવેશભાઈનો પુત્ર મૌલેષ મિત્ર પડી જતા ભીડની વચ્ચે દબાઈ ગયો હતો. પોતાનો પુત્ર દબાઈ જતા પિતાએ ચીસાચીસ કરીને ઉત્તર પ્રદેશની પોલીસને જાણ કરી હતી. પોલીસ તુરંત દોડી આવીને ભીડ નીચે દબાઈ ગયેલ કિશોરને ભારે મુશેકેલીથી બહાર કાઢીને જીવ બચાવ્યો હતો. પુત્રને હેમખેમ જોતા પિતાની આંખમાં આસુ આવી ગયા હતા. 

આ દરમિયાન ભાગદોડમાં પરિવારની ૩ મહિલાઓ પણ વિખુટી પડી જતા તેઓની શોધખોળ હાથ ધરી હતી. પરિવારે મૃતદેહો વચ્ચે મહિલાઓની શોધખોળ કરી પણ મળી આવી ન હતી. આખરે ૧૨ કલાક બાદ ભીડમાંથી ૩ મહિલાઓ મળી આવતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો. 

દુર્ઘટના બાદ પણ આસ્થા અડગ હતી, અમે સંગમ પર સ્નાન કરીને પરત ફર્યા

મહાકુંભમાં એ ગોઝારી રાતના સાક્ષી ગોધરાના ભાવેશભાઈ ઢોલીએ જણાવ્યું હતું કે હુ મારી પત્ની, ફોઈ, માસી સહીત ૭ લોકો સંગમ કિનારે પહોચ્યા હતા. મંગળવારની મધ્ય રાત્રી બાદ આશરે દોઢ વાગ્યાના અરસામાં અચાનક નાસભાગની ઘટનામાં આખો પરિવાર વિખુટો પડી જતા બેબાકળો બની ગયો હતો. ભીડની નીચે મારો પુત્ર દબાઈ જતા પોલીસે મદદ કરીને બહાર કાઢયો હતો. નાસભાગની ઘટનામાં માસી, ફોઈ સહીત ૩ મહિલાઓ ગુમ થયા બાદ ૧૨ કલાકની શોધખોળ બાદ મળી આવ્યા હતાં. 

પુત્રને સામાન્ય ઇજા થતા સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જો કે હવે તે સ્વસ્થ છે.નાસભાગમાં અમારા સામાન સાથે રોકડ રકમ પર ગુમ થઈ ગઈ હતી. પરંતુ પુત્રનો જીવ બચતા અને મહીલાઓનું પરિવાર સાથે મિલન થવાની ખુશીમાં સામાન ગુમ થવાનો ગમ ભુલાઈ ગયો હતો.આ દુર્ઘટના બાદ પણ અમારી આસ્થા મરી નહતી અને પરિવારના તમામ સભ્યોએ મહાકુંભમાં શાહિ સ્નાન કરીને ગોધરા આવવા પરત ફર્યા હતા.


Google NewsGoogle News