વડોદરામાં ૬૩ વર્ષના કોન્ટ્રાક્ટર પર બાઈક સવાર ત્રણ આરોપીઓનો હુમલો
તારના ફેન્સિંગ પર ધક્કો મારતા પટકાયેલા કોન્ટ્રાક્ટરના ચાર દાંત તૂટી ગયા, બે હુમલાખોરને પણ ઇજા
વડોદરામાં ગોકુળ પાર્ટી પ્લોટ પાસે બાઈક સવાર ત્રણ હુમલાખોરોએ ૬૩ વર્ષના સિનિયર સિટીઝનને માર મારી ચાર દાંત તોડી નાખ્યા હતા ગોત્રી પોલીસે આ અંગે ગુનો દાખલ કરે વધુ તપાસ હાથ ધરી છે.
ગોકુળ પાર્ટી પ્લોટની પાસે ઉમંગ સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષના જાબરમલત ધનારામ કુમાવત કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૩૦મી તારીખે હું પોર ખાતે મારી કંપનીમાંથી કાર લઈને પરત મારા ઘરે આવવા નીકળ્યો હતો. ઘડિયાળ સર્કલ થઈ મારા ઘર સામે રોડ પર ગાડીનો ટર્ન લેતો હતો. તે સમયે નિલામ્બર સરકાર તરફથી એક બાઈક પર ત્રણ વ્યક્તિ બેસીને આવ્યા હતા અને મારી ગાડીને કટ મારી નીકળતા મેં મારી ગાડી રોડની સાઈડમાં ઊભી રાખી નીચે ઉતર્યો હતો. ત્યારે આ ત્રણેય વ્યક્તિઓ બાઈક પરથી ઉતરી મારી પાસે આવી ઝપાઝપી કરવા લાગ્યા હતા અને મને મોઢા પર મુક્કા માર્યા હતા. મને ધક્કો મારી ફેન્સિંગના તાર પર પાડી દીધો હતો જેથી મને મોંઢા પર ઈજા થઈ હતી અને ચાર દાંત પડી ગયા હતા. આ ત્રણ હુમલાખોરો પૈકી એક હુમલાખોર જાતે ફેન્સીંગના તાર પર પડી જતા તેને જમણા પગના પંજા પર અને બીજા હુમલાખોર ને કપાળના ભાગે ઈજા થઈ હતી. મેં બુમાં બૂમ કરતા આજુબાજુના આ માણસો આવી જતા મને છોડાવ્યો હતો.
આ ત્રણેયના નામ મોહંમદ તાલીમ ફિરોજભાઈ શેખ તથા સાકીબ ફિરોજભાઈ શેખ (તમામ રહે. અકોટા રામપુરા વુડાના મકાનમાં) હોવાનું જણાયું હતું. જ્યારે ત્રીજો હુમલાખોર સગીર વયનો છે. પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડયા છે.