રૂદરપુરાની વજી મદ્રેસાના 55 વર્ષીય સફાઈકર્મીએ 9 વર્ષની બાળકીની છેડતી કરી
ધાર્મિક અભ્યાસ માટે ગઈ હતી ત્યારે સુબેખા પઠાણે 'તારી બેગમાંથી કંઈક બહાર પડી ગયું છે' કહી ક્લાસની બહાર બોલાવી બાથ ભીડી લીધી
- ધાર્મિક અભ્યાસ માટે ગઈ હતી ત્યારે સુબેખા પઠાણે 'તારી બેગમાંથી કંઈક બહાર પડી ગયું છે' કહી ક્લાસની બહાર બોલાવી બાથ ભીડી લીધી
સુરત, : સુરતના રૂદરપુરા વ્હોરવાડ સ્થિત વજી મદ્રેસાના 55 વર્ષીય સફાઈકર્મીએ ત્યાં ધાર્મિક અભ્યાસ માટે આવેલી 9 વર્ષની બાળકીને તારી બેગમાંથી કંઈક બહાર પડી ગયું છે કહી ક્લાસની બહાર બોલાવી બાથમાં પકડી અડપલાં કરતા અઠવાલાઈન્સ પોલીસે તેના વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી તે વતન ભાગી છૂટે તે પહેલા રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રૂદરપુરા વિસ્તારમાં રહેતા અને હાલ વિદેશમાં નોકરી કરતા યુવાનની 9 વર્ષીય દીકરી ગત બપોરે રૂદરપુરા વ્હોરવાડ સ્થિત વજી મદ્રેસામાં ધાર્મિક અભ્યાસ માટે ગઈ હતી.બાળકી ક્લાસમાં ભણતી હતી ત્યારે ત્યાં સફાઈકામ કરતા 55 વર્ષીય સુબેખા દિલબાસખા પઠાણ ( રહે.માવીયા મસ્જીદ, રહેમતપુરા, રૂદરપુરા, સુરત. મૂળ રહે.મહેલેજ, હવેલીવાડ, સૈયદ વગો, તા.માતર, જી.ખેડા ) એ બાળકીને તારી બેગમાંથી કંઈક બહાર પડી ગયું છે તેમ કહી ક્લાસમાંથી બહાર બોલાવી હતી.બાળકી બહાર આવતા સુબેખા પઠાણે તેને ક્લાસની દિવાલ પાસે બાથમાં પકડીને અડપલાં કર્યા હતા.
ગભરાયેલી બાળકી ઘરે દોડી ગઈ હતી અને બનાવ અંગે માતાને જાણ કરતા તેમણે બાદમાં સુબેખા પઠાણ વિરુદ્ધ અઠવાલાઈન્સ પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે બે પરિણીત સંતાનના પિતા સુબેખા પઠાણને તે વતન ભાગી છૂટે તે પહેલા રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.વધુ તપાસ પીઆઈ જી.એમ.હડીયા કરી રહ્યા છે.