ડોર ટુ ડોરની ગાડીના ડ્રાઇવરે ૪ વર્ષના બાળકને કચડી નાંખતા કરૃણ મોત
બાળકનું મોત થયું હોવાનું ડોક્ટરે જણાવતા ડ્રાઇવર હોસ્પિટલ પરથી ફરાર થઇ ગયો
વડોદરા,છાણી વિસ્તારમાં ઘર પાસે રમતા બાળકને કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરાના કલેક્શનની ગાડીના ડ્રાઇવરે કચડી નાંખતા કરૃણ મોત થયું છે. બનાવ અંગે છાણી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
છાણી કેનાલ રોડ પર અભય નગર સોસાયટીમાં યોગેશ કિશોરભાઇ ગોલાણીયા માતા, પિતા, પત્ની અને બે સંતાનો સાથે રહે છે. મજૂરી કામ કરતો યોગેશ આજે સવારે સાડા આઠ વાગ્યે ઘરેથી નીકળી અલકાપુરી ખાતે આવેલ વિધિ પ્લેટિનમ સાઇટ પર કડિયા કામ કરવા માટે ગયો હતો. તેનો ચાર વર્ષનો દીકરો ઘર પાસે રમતો હતો. સવારે દશ વાગ્યે તેની સોસાયટીમાં કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરતી ગાડી આવી હતી. કચરો લેતી ગાડીના ડ્રાઇવરે ગાડી રિવર્સમાં લેતા ઘરની નજીક રમતા ચાર વર્ષના બાળકને ટક્કર વાગતા તે પટકાયો હતો. ગાડીનું પાછળનું ટાયર બાળક પર ફરી વળતા તે કચડાઇ ગયો હતો. બાળકને કમર તથા બંને પગના ઘુંટણ પર ઇજા પહોંચી હતી. સોસાયટીના રહીશો દ્વારા ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. તેના પિતાને કોલ કરીને જાણ કરવામાં આવતા તેઓ પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું કરૃણ મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, ઇજાગ્રસ્ત બાળકને જ્યારે સોસાયટીના રહીશો હોસ્પિટલમાં લઇ ગયા ત્યારે ગાડીનો ડ્રાઇવર પણ તેઓની સાથે હોસ્પિટલ સુધી ગયો હતો.પરંતુ, ડોક્ટરે બાળકનું મોત થયું હોવાનું જણાવતા ગભરાયેલો ડ્રાઇવર સ્થળ પરથી ભાગી ગયો હતો. બનાવ અંગે છાણી પોલીસે ગુનો દાખલ કરી સ્થળ પરથી ભાગી ગયેલા કચરાની ગાડીના ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે. છાણી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.બી.ચારેલે જણાવ્યું છે કે, ગાડીનો નંબર સ્પષ્ટ દેખાતો નથી. અમે કોર્પોરેશન પાસે આ વિસ્તારમાં ફરતી ગાડીઓના ડ્રાઇવરની વિગતો માંગી છે. તેના આધારે ડ્રાઇવરની શોધખોળ કરી ધરપકડ કરવામાં આવશે.