અમદાવાદ રહેતા જૂનાગઢના 26 વર્ષના યુવકનું લગ્નના દિવસે જ મોત
રાત્રે દાંડિયા રાસ રમ્યા બાદ વહેલી સવારે હાર્ટએટેક : લગ્નની ઉજવણી શોકમાં પરિણમી : અંતિમયાત્રામાં અશ્રુનો દરિયો વહ્યો
જૂનાગઢ, : મૂળ જૂનાગઢ અને છેલ્લા આઠ મહિનાથી અમદાવાદમાં રહેતા સ્થાનકવાસી જૈન સંઘ (સુરતી) પરિવારના યુવા પુત્રનું આજે લગ્નના દિવસે જ વહેલી સવારે હૃદય રોગથી મોત થતાં લગ્નની ઉજવણી શોકમાં પરિણમી હતી. આજે બપોરે ચાર વાગ્યે અમદાવાદમાં નીકળેલ અંતિમ યાત્રામાં અશ્રુનો દરિયો વહ્યો હતો.
'ન જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું છે' મૂળ જૂનાગઢ જલારામ સોસાયટીમાં રહેતા સીંગદાણાના વેપારી અજય રતિલાલભાઈ સુરતી તેના પત્ની અને પુત્ર સાથે આઠ મહિના પહેલા અમદાવાદ સ્થાયી થયા હતા. પુત્ર હષત (ઉ.વ. 26)ના આજે લગ્ન હતા. ગઈકાલે હલ્દીની વિધિ અને રાત્રે પરિવારજનો અને સગા સંબંધી ઉત્સાહભેર દાંડિયા રાસ રમ્યા હતા. ત્યારબાદ મોડી રાત્રે સૂતા બાદ વહેલી સવારે 5,45 વાગ્યે હષતને છાતીમાં દુ:ખાવો થતાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા પરંતુ હૃદય રોગથી યુવક અરિહંત શરણ થયા હતા.
લગ્નના દિવસે જ યુવાન પુત્રના મોતથી પરિવાર ભાંગી પડયો હતો. એક તરફ લગ્નના ઢોલ વાગી રહ્યા હતા. સમગ્ર પરિવાર અને મહેમાનો ઉત્સાહભેર લગ્નમાં જોડાવાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ વરરાજાનાં નિધનથી પરિવાર શોક મગ્ન થયો હતો. યુવક અમદાવાદ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. જૂનાગઢથી પણ જૈન સંઘના આગેવાનો લગ્નમાં જોડાવાના હતા પરંતુ લગ્નના દિવસે જ વહેલી સવારે યુવકનું પ્રાણ પંખેરૂ ઉડી જતા બંને પરિવારોમાં શોકનું મોજુ છવાયું હતું. યુવકની અમદાવાદમાં બપોરે નીકળેલી અંતિમયાત્રામાં અશ્રુનો દરિયો વહ્યો હતો અને સ્થાનકવાસી જૈન સંઘમાં પણ શોકનું મોજુ છવાયું છે.