૨૬ વર્ષના એન્જિનિયરને હાર્ટ એટેક આવતા કરૃણ મોત
બાઇક લઇને જાતે હોસ્પિટલમાં જતો હતો અને રસ્તામાં જ ઢળી પડયો
વડોદરા,૨૬ વર્ષના એન્જિનિયરની સવારે તબિયત બગડતા સારવાર માટે તે જાતે બાઇક લઇને ઘરેથી નીકળ્યો હતો. પરંતુ, રસ્તામાં જ તે ઢળી પડયો હતો. એટેકને કારણે તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અટલાદરા સમન્વય સ્ટેટસમાં રહેતો હાર્દિક ગોવિંદભાઇ સુથાર (ઉં.વ.૨૬) ખાનગી કંપનીમાં સિનિયર એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. તે ઘરેથી જ કામ કરતો હતો. આજે સવારે આજે સવારે સાડા નવ વાગ્યે ઉલટી થઇ હતી. ત્યારબાદ તેને તબિયત સારી નહીં લાગતા તે બાઇક લઇને હોસ્પિટલમાં બતાવવા માટે નીકળ્યો હતો. પરંતુ, રસ્તામાં જ તે ઢળી પડયો હતો. રાહદરીએ એમ્બ્યુલન્સને કોલ કરી તેને સારવાર માટે સ્વામિનારાયણ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પરંતુ, તેનું મોત થયું હતું. પ્રાથમિક તપાસ દરમિયાન હાર્દિકને એટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેના લગ્ન થયા નહતા.