19 વર્ષના વિદ્યાર્થીની વિશ્વની 10 ભાષા પર પ્રભુત્વ મેળવવાની સિદ્ધિ
મૂળ રાજકોટના વતની રાજમન નકુમે લોકડાઉનના સમયનો ઉપયોગ કરી તમામ ભાષા લખતા, બોલતા અને વાંચતા શીખી લીધી, જે-તે દેશની પરીક્ષા પણ પાસ કરી ૧૦ ભાષા શીખવા ઉપરાંત સ્કેચ બનાવવાનું, ગિટાર વગાડવાનું અને માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ મેળવી વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યો
નવસારીની શાળામાં અભ્યાસ કરી માત્ર 19 વર્ષની ઉંમરે વિશ્વની 10 ભાષાઓ પર પ્રભુત્વ મેળવનાર મલ્ટીટેલેન્ટેડ રાજમન નકુમની સિદ્ધિની નોંધ ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડે લીધી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેને ગુજ્જુબોયની ઉપમા આપી સન્માનિત કર્યો છે. 10 ભાષાઓ શીખવા સાથે તે સ્કેચ બનાવવાનું, ગિટાર વગાડવાનું અને ટેકવાનડો માર્શલ આર્ટમાં ટ્રેનિંગ મેળવી બ્લેકબેલ્ટ પ્રાપ્ત કરી અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે.
મૂળ રાજકોટના વતની અને ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કપિલભાઈ નકુમ અને તેમના ધર્મપત્ની મનીષાબેનનો પુત્ર રાજમન અને પુત્રી રાજસ્વીબા નવસારીમાં હતા. બાળપણથી જ તેજસ્વી બાળક રાજમને નવસારીની ધો.9 સુધી અભ્યાસ દરમિયાન વર્ષ 2015માં મોબાઈલ પર વિવિધ દેશોની ભાષા શીખવાનો શોખ જાગ્યો. પ્રથમ તે ભાષાના ઈન્ટરનેટ પર ગીતો સાંભળ્યા ત્યાર બાદ ઓનલાઈન ક્લાસમાં જોડાયો હતો. માતૃભાષા ગુજરાતી, રાષ્ટ્રભાષા હિન્દી, દેવ ભાષા સંસ્કૃતનો પાયો મજબૂત કર્યો. તેની પરીક્ષાઓ આપી તેમાં ઉત્તીર્ણ થયા બાદ રાજમને અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, સ્પેનીસ, ઇટાલીયન, પોર્ટુગીઝ અને રશિયન ભાષાઓ એક બાદ એક શીખવા માંડી. કોરોના કાળ દરમિયાન થયેલા લોકડાઉનના સમયનો ખૂબ સારો ઉપયોગ આ વિદેશી ભાષા શીખવામાં કર્યો હતો વિદેશી ભાષા બોલતા, વાંચતા, લખતા શીખી ગયા બાદ તેણે જે-તે દેશના એમ્બેસી દ્વારા તે દેશની ભાષાની પરીક્ષા આપી હતી. જેમાં સારા ગુણ પ્રાપ્ત કરી ઉત્તિર્ણ થનાર રાજમને તેમાં ડિપ્લોમા પાસ કર્યો હતો. તેની સાથો સાથ ટેકવાનડો માર્શલ આર્ટ શીખી તેમાં બ્લેક બેલ્ટ હાંસલ કર્યો હતો. આ તમામ સિદ્ધિઓ 19 વર્ષની ઉંમરે મેળવી લીધી હતી. વિવિધ સિધ્ધિ અને શોખ સાથે પોતાની શૈક્ષણિક કારકિર્દી પણ તેજસ્વીપણે ચાલુ રાખનાર આ મલ્ટીટેલેન્ટેડ ગુજ્જુબોયની નોંધ તા. 7-1-2024ના રોજ ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં લેવામાં આવી છે. તેની આ કામગીરી માત્ર સાડા ચાર વર્ષના સમયગાળામાં થઈ છે.