ખટંબા ખાતે રહેતા ધો.12ના 17 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત
કોરોના પછી સ્વાસ્થ્ય સામેની ગંભીર અસરો સામે સરકાર મૌન
વડોદરા : વડોદરા નજીક ખટંબા ખાતે રહેતા ધો.૧૨ સાયન્સના ૧૭ વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવાર ઉપર વ્રજ્રાઘાત થયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. વિદ્યાર્થી એકમાત્ર સંતાન હતો. કોઇ બીમારી નહતી અને સંપૂર્ણ સ્વસ્થ હતો.
વિદ્યાર્થી સમર્થ શાહ રેલવે ટેકનિશ્યન પિતા અને શિક્ષિકા માતાનું એકમાત્ર સંતાન હતો, પહેલા ઊલટી થઇ અને પછી પલ્સ ઘટવા લાગ્યા
વડોદરા નજીક ખટંબા ખાતે ગાયત્રી શક્તિપીઠ નજીક આવેલી અક્ષર રેસિડેન્સીમાં રહેતા રેલવેના સિનિયર ટેકનિશ્યન પ્રણવભાઇ શાહ અને બ્રાઇટ સ્કૂલના શિક્ષિકા કિન્નરી બેનનું એકમાત્ર સંતાન સમર્થ શાહ વડોદરાની ખાનગી શાળામાં ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો હતો. તા.૨૬ જુલાઇ શુક્રવારે વરસાદ હોવાથી સમર્થ શાળાએ ગયો નહતો. જ્યારે માતા-પિતા બન્ને જોબ ઉપર ગયા હતા. દરમિયાન સમર્થને બેચેની લાગવા લાગતા તેણે માતાને શાળામાં ફોન કરીને જાણ કરતા માતા કિન્નરી બેન ઘરે પહોંચ્યા હતા ત્યારે સમર્થે કહ્યું કે તેને બે ત્રણ વખત ઊલટીઓ થઇ હતી. દરમિયાન સમર્થની બેચેની વધી જતા અને સતત ઊલટીઓ થતી હોવાથી માતા નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ડોક્ટરે નીદાન કર્યુ કે તેના પલ્સ ઘટી ગયા છે અને તુરંત બીજા હોસ્પિટલમાં સિફ્ટ કરતો. આથી કિન્નરીબેને તુરંત પતિ પ્રણવ શાહને પણ ફોન કરીને નોકરી ઉપરથી બોલાવી લીધા હતા.
સમર્થને બીજી હોસ્પિટલમાં લઇ ગયા ત્યાં સુધીમાં હાલત ગંભીર બની ગઇ હતી અને તેને આઇસીયુમાં જ ખેંચ આવી હતી. ડોક્ટરે તપાસ કરતા જાણવા મળ્યુ કે સમર્થને હાર્ટ એટેક આવ્યો છે. જો કે ઘનિષ્ઠ સારવાર બાદ પણ સમર્થને બચાવી શકાયો નહતો અને તા.૨૭મી જુલાઇ શનિવારે તેનું મૃત્યુ થયુ હતું. ઉલ્લેખનીય છે કે કોરોના પછી લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે. નાની ઉમરમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ વધી રહ્યા છે જેની સામે સરકાર મૌન છે.