ટ્રેલરનાં તોતિંગ વ્હીલ ફરી વળતાં ધો.૧૨ની છાત્રાનું મોત
રાંદરડા તળાવ નજીક જીવલેણ અકસ્માત
નાની બહેનને ઇજા, બંને બહેનો સ્કૂલેથી છૂટી એક્ટિવા પર ઘરે જતી હતી ત્યારે અકસ્માત નડયો
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ આજી ડેમ ચોકડી નજીક શ્રીરામ
પાર્ક-૩માં રહેતા પ્રવેન્દ્ર સિંગની મોટી પુત્રી અનુપ્રિયાપ્રિયાંશી (ઉ.વ.૧૭) મઝહર
સ્કૂલમાં ધો. ૧૨માં અભ્યાસ કરતી હતી. તેની નાની બહેન સાક્ષી ઉર્ફે સુપ્રિયા
(ઉ.વ.૧૪) પણ તે જ સ્કૂલમાં અભ્યાસ કરે છે.
બંને બહેનો ગઇકાલે સાંજે સ્કૂલેથી છૂટીને એક્ટિવા પર ઘરે
જતી હતી ત્યારે રાંદરડા તળાવ પાસે માંતેલા સાંઢની જેમ ધસી આવેલા ટ્રેલરે હડફેટે
લેતા અનુપ્રિયાપ્રિયાંશીના કમરના ભાગ પરથી ટ્રેલરના તોતિંગ વ્હીલ ફરી વળ્યા હતાં.
જ્યારે તેની નાની બહેન સાક્ષી ઉર્ફે સુપ્રિયાને સામાન્ય ઇજા થઇ હતી.
તત્કાળ અનુપ્રિયાપ્રિયાંશીને સિવિલમાં ખસેડાઇ હતી. જ્યાં
ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડી દીધો હતો. અકસ્માત સર્જયા બાદ ટ્રેલર ચાલક ભાગે તે
પહેલાં ટોળાએ તેને ઝડપી લઇ આજી ડેમ પોલીસના હવાલે કર્યો હતો. અનુપ્રિયાપ્રિયાંશી
બે ભાઇ અને એક બહેનમાં મોટી હતી.
તેના પિતા મૂળ બિહારના વતની છે. વીસેક વર્ષથી રાજકોટ રહે છે અને કારખાનામાં કામ કરે છે. આશાસ્પદ પુત્રીનાં મોતથી પરિવાર પર આભ તૂટી પડયું હતું. આજી ડેમ પોલીસે તેની માતા નૂતનબહેનની ફરિયાદ પરથી ટ્રેલર ચાલક સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી હતી.