Get The App

સાતુદડ ગામે મોબાઇલ લેવાની જીદમાં 12 વર્ષની બાળકીનો આપઘાત

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
સાતુદડ ગામે મોબાઇલ લેવાની જીદમાં 12 વર્ષની બાળકીનો આપઘાત 1 - image


સમાજ માટે ચોંકાવનારી ઘટના: પરિવાર  હતપ્રભ : ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ લેતા મોત

ગોંડલ, : આપણી રોજીંદી ઘટમાળમાં મોબાઇલ એક મહત્ત્વ નું અંગ બની ચુક્યો છે.પરંતુ મોબાઇલની ઘેલછા ક્યારેક ઘાતકી પણ બને છે. ખાસ કરીને બાળકો માટે ક્યારેક મોતનું કારણ પણ બને છે. જામકંડોરણાનાં સાતુદડ ગામે ખેતમજુરી કરી પરીવારનો જીવન નિર્વાહ કરતા પિતાની લાચારીને નજરઅંદાજ કરી મોબાઇલ લેવાની જીદમાં માત્ર બાર વર્ષની બાળકીએ ઘઉંમાં નાખવાનાં ઝેરી ટીકડા ખાઈ લેતા તેનુ મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ સાતુદડ રહેતા અને વાડીમાં ભાગીયુ રાખી ખેતીકામ કરતા દિનેશભાઈ રાઠોડ ની બાર વર્ષ ની પુત્રી હેતલે ગત સાંજે વાડીએ તેના ઘરે ઘઉંમાં નાખવા નાં ઝેરી ટીકડા ખાઇ લેતા સારવાર માટે અત્રેની સુખવાલા હોસ્પિટલમાં ખસેડાઇ હતી.જ્યાં સારવાર દરમ્યાન રાત્રે તેનું મોત નિપજ્યું હતું.

બાર વર્ષની બાળાએ ઝેરી ટીકડા ખાઇ લીધાની ચોંકાવનારી ઘટનાની વધુ પ્રાપ્ત વિગતો મુજબ હેતલે તેના પિતા દિનેશભાઈ પાસે મોબાઇલ લેવા જીદ પકડી હતી. બીજી બાજુ હેતલનાં ભાઇ ને પણ મોબાઇલ લેવો હોય ભાઇ બહેન બન્ને જીદે ચડતા ખેતમજુર પિતા પૈસા વગર લાચાર બન્યા હતા. આ જીદ મોતનું કારણ બની હોય. તેમ મોબાઇલની બાળ સહજ ઘેલછામાં હેતલે આત્મઘાતી પગલુ ભરી લીધુ હતું. ઘરમાં ઘઉં ભરેલી કોઠીમાં રાખેલા ટીકડા હેતલે ખાઇ લીધા હતા. અને મોત વહાલુ કર્યુ હતું. દિનેશભાઈને સંતાનમાં ત્રણ દિકરીઓ અને એક દિકરો છે.જેમા હેતલ સૌથી નાની હતી. અને છ ધોરણ સુધી ભણી હતી. બનાવનાં પગલે પરિવાર શોકમગ્ન બન્યો હતો. બનાવ અંગે જામકંડોરણા પોલીસે તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News