જામનગરમાં 12 વર્ષનો કિશોર પતંગ ચગાવતા ધાબા પરથી નીચે પટકાયો, ગંભીર હાલતમાં સારવાર હેઠળ
Jamnagar : જામનગરમાં વાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. એક કિશોરને ગફલતભરી રીતે પતંગ ચગાવવી ભારે પડી છે, પતંગ ચગાવતી વખતે અગાસી પરથી પડી જતા કિશોરને ગંભીર ઈજા પહોંચી છે, જેથી તેને શહેરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.
જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે પ્રભાતનગરમાં રહેતો બાર વર્ષનો એક કિશોર ગઈકાલે રવિવારે રજાના દિવસે સાંજના સમયે પોતાના મકાનના ધાબા પર ચડીને પતંગ ઉડાવી રહ્યો હતો. જે દરમિયાન અકસ્માતે ધાબા ઉપરથી નીચે પટકાઈ પડ્યો હતો, અને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત કિશોરને પીઠના મણકાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર પ્રકારની ઈજા થઈ હોવાથી તેની સધન સારવાર ચાલી રહી છે. આ બનાવને લઈને કિશોરના પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઉતરાયણના ઉન્માદમાં બાળકો ધાબા પરતો ચઢી જાય છે, પરંતુ યોગ્ય તકેદારી ન રાખતા હોવાથી આ પ્રકારની ઘટનાઓ બને છે. ત્યારે વાલીઓએ પણ આ બાબતે ધ્યાન રાખવાની જરૂર છે.