97 વર્ષ પૂર્વે વિનાશક પૂરે વડોદરાને ધમરોળી નાખ્યું હતું, મહારાજાએ માફ કર્યા હતા વેરા
97 Year Ago Flood in Vadodara: ભારે વરસાદના કારણે તારીખ 26 ઓગસ્ટ થી વિશ્વામિત્રી નદીના પૂરે વડોદરા ને ત્રણ ચાર દિવસ સુધી ધમરોળ્યું હતું. આવું જ ભયાનક પુર 30 જૂન 2005 ના રોજ આવ્યું હતું. પૂરે વેરેલા વિનાશ અને તેના કારણે લોકોએ વેઠેલી માનસિક યાતના હજી ભુલાઈ નથી.97 વર્ષ પૂર્વે 25 જુલાઈના રોજ વડોદરામાં આવેલા વિનાશક પૂરે જાણે કે પ્રલય સર્જી દીધો હતો. જેની હકીકત વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં બરોડા એડમિનિસ્ટ્રેટિવ રિપોર્ટમાં વાંચવા મળે છે. તે વખતના ગાયકવાડ રાજ્યના દિવાન કૃષ્ણમાચારી એ જલ પ્રલય વિશે નોંધ કરી છે.
તારીખ 25 થી 28 જુલાઈ 1927 દરમિયાન વડોદરામાં પૂરે હાહાકાર મચાવી દીધો દીધો હતો. આ ચાર દિવસોમાં વડોદરામાં ૩9 ઇંચ વરસાદ પડયો હતો, અને નજીકમાં આવેલા વાઘોડિયામાં 55 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વડોદરા સાથેના તમામ સંપર્કો કપાઈ ગયા હતા. બધી સેવા ઠપ થઈ ગઈ હતી. સયાજીગંજ વિસ્તાર શહેરથી વિખુટો પડી ગયો હતો. સયાજી બાગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓ બચ્ચા ન હતા. મ્યુઝિયમની પણ કફોડી હાલત થઈ હતી .જનરલ હોસ્પિટલના તળ મજલાના તમામ દર્દીઓને પહેલા માળે ખસેડવા પડયા હતા. વડોદરાની 20 વ્યક્તિ પૂરમાં તણાઈ ગઈ હતી, અને 20 વ્યક્તિ મકાન પડતા તેના કાટમાળમાં દબાઈને મૃત્યુ પામી હતી. વડોદરા જિલ્લામાં 6910 મકાનો પડી ગયા હતા.
વિશ્વામિત્રીના પૂરની સૌથી વધુ અસર સયાજીગંજ અને યુનિવસટી વિસ્તારને થઈ હતી, પણ અડાણિયા પુલથી બહુચરાજી થઈ નદીને મળતો વિસ્તાર માં ભારે પાણી ભરાયા હતા. ભૂખી કોતરનું પાણી અલગ અલગ વિસ્તારમાં ફરી વળ્યું હતું. ગોલવાડ, ફતેપુરા, દાંડિયા બજારમાં નાળાનું પાણી ઘસી આવ્યું હતું. સયાજીગંજ, ફતેપુરા, દાંડિયા બજાર, નવી ધરતી, ગોલવાડ ને સૌથી વધારે નુકસાન થયું હતું .આજવા સરોવર ના ઉપરવાસ વિસ્તાર વાઘોડિયા વિસ્તારમાં આભ ફાટયું હોવાથી પાણી આજવામાં થઈને વડોદરામાં ધસી આવ્યું હતું.
વડોદરાના એક સિનિયર સિટીઝન પ્રકાશભાઈ પેઠે એ 1927 ના પૂરના આધારે એક નકશો અગાઉ તૈયાર કરેલો હતો . જેના પરથી ખ્યાલ આવશે કે પાણી કેટલા વિસ્તારમાં ફરી વળ્યા હતા. તે વખતે આવેલા પૂરના લેવલની તકતીઓ ગાયકવાડ સરકારે ઠેર ઠેર મૂકેલી છે. આ ભયાનક પુર બાદ પૂરગ્રસ્ત લોકોને વિવિધ પ્રકારની સહાય આપવામાં આવી હતી. જેમાં તાત્કાલિક કેશ ડોલનું વિતરણ કરાયું હતું. ખેડૂતોને મફત બિયારણ અપાયું હતું. જેમના મકાનો તૂટી ગયા હતા તેઓને મકાન બનાવવા લોન આપવામાં આવી હતી.
ઈંટો પાડનારને આથક મદદ પૂરી પાડવામાં આવી હતી .પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત ટુકડીઓ ઉતારી હતી ,અને આ માટે હાથીઓનો ઉપયોગ કરાયો હતો. લોકોને ભોજન, પાણી અને દવાઓ પૂરી પાડી હતી. પાણી ઉતર્યા બાદ તરત સફાઈ કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી. ડોક્ટરોની ટીમો પાણીજન્ય રોગો થી પરેશાન લોકોને સારવાર આપતી હતી. પૂરને લીધે ભારે નુકસાન થતાં મહારાજાએ તે વર્ષના તમામ વેરા રદ કર્યા હતા.