ગુજરાતમાં ધારાસભ્યોને ત્યાં 94 પટાવાળા પાછળ મહિને લાખોનો ખર્ચો! સરકાર દ્વારા જ ખુલાસો

ધારાસભ્ય નિવાસસ્થાને પટાવાળા માટે ખાનગી કોન્ટ્રાક્ટ

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં ધારાસભ્યોને ત્યાં 94 પટાવાળા પાછળ મહિને લાખોનો ખર્ચો! સરકાર દ્વારા જ ખુલાસો 1 - image


Gujarat News : ચૂંટાયેલા જનપ્રતિનીધીઓ માટે સદસ્ય નિવાસમાં પટાવાળા 24 કલાક હાજર હોય છે. પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યોના નિવાસ સ્થાને 94 પટાવાળા ફરજ પર હાજર છે. ધારાસભ્યોની સેવા માટે આ પટાવાળા માટે સરકાર દર મહિને પગાર પાછળ રૂ.20 લાખનો ખર્ચ કરે છે.

હાલ 94 પટાવાળા સદસ્ય નિવાસ પર ફરજ અદા કરે છે

પ્રજાના પ્રાણપ્રશ્નોની ચિંતા કરતાં ધારાસભ્યો સરકારી લાભ લેવામાં જરાય ઉણા ઉતરતા નથી. ગાંધીનગરમાં ધારાસભ્યોના નિવાસસ્થાને અગાઉ 54 પટાવાળા ફરજ બજાવતાં હતાં પણ તે પણ જાણે ઓછા પડતાં હતાં જેથી પટાવાળાની સંખ્યા વધારાઇ છે. હાલ 94 પટાવાળા સદસ્ય નિવાસ પર ફરજ અદા કરે છે.

સરકારે ડી.આર.એન્ટરપ્રાઇઝ નામની ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો

મોટાભાગે વિધાનસભા સત્ર હોય ત્યારે જ બધાય ધારાસભ્યો સદસ્ય નિવાસે હાજર હોય છે. સદસ્ય નિવાસે ધારાસભ્યોની સેવામાં પટાવાળા હાજર હોય છે. આ પટાવાળા માટે સરકારે આઉટસોર્સિગ સેવા લેવા નક્કી કર્યુ છે. નવાઇની વાત એ છે કે, પટાવાળા માટે પણ સરકારે ડી.આર.એન્ટરપ્રાઇઝ નામની ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. છેલ્લાં બે વર્ષમાં સદસ્ય નિવાસસ્થાને ફરજ બજાવતાં પટાવાળાને ત્રણેક કરોડ પગાર ચૂકવાયો છે. સરકારે એ વાતનો ખુલાસો કર્યો છે કે, વર્ષ 2022માં પટાવાળાને રોજ રૂ.485 પગાર ચૂકવાતો હતો તે વર્ષ 2023માં વધારીને હવે રૂ.708 સુધી ચૂકવાય છે. અગાઉ કાયમી કર્મચારી હતા પણ ધીરે ધીરે નિવૃત થતાં હવે હંગામી અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીથી કામ લેવુ પડે છે. ટૂંકમાં, ભાજપના રાજમાં ખાનગી એજન્સીઓને બખ્ખાં થયા છે.

ગુજરાતમાં ધારાસભ્યોને ત્યાં 94 પટાવાળા પાછળ મહિને લાખોનો ખર્ચો! સરકાર દ્વારા જ ખુલાસો 2 - image


Google NewsGoogle News