પેપર લીક અને કૌભાંડના આક્ષેપો વચ્ચે વડોદરાના ૬ સેન્ટરો પર ૯૦૦ જેટલા વિદ્યાર્થીઓ પીજી નીટ પરીક્ષા આપશે
વડોદરાઃ ધો.૧૨ પછી મેડિકલમાં પ્રવેશ માટે લેવાતી નીટ પરીક્ષાના પેપર લીક અને કૌભાંડના આક્ષેપો વચ્ચે આવતીકાલે, રવિવારે દેશભરમાં પીજી નીટ પરીક્ષાનુ આયોજન થયુ છે.વડોદરાના ૬ સેન્ટરો પર ૯૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.દેશભરમાંથી ૨.૨૮ લાખ જેટલા વિદ્યાર્થીઓ પીજી નીટ પરીક્ષા આપવાના છે.
એમબીબીએસ થયેલા વિદ્યાર્થીઓ મેડિકલના માસ્ટર કોર્સમાં પ્રવેશ મેળવવા માટે પીજી નીટ પરીક્ષા આપતા હોય છે.નીટ પરીક્ષામાં પેપર લીક પ્રકરણ બાદ યુજી નીટ માટે અભૂતપૂર્વ તકેદારીના પગલા લેવાયા છે.
પરીક્ષા કામગીરી સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા પ્રમાણે પીજી નીટ પરીક્ષા સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝડ હોવાથી તેમાં પેપર લીકની શક્યતા નથી.સવારે નવ વાગ્યે પરીક્ષાનો પ્રારંભ થશે અને પરીક્ષા સેન્ટરો પર સવારે સાત વાગ્યાથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
વિદ્યાર્થીઓનુ બે વખત રજિસ્ટ્રેશન કરવામાં આવશે.તેમને પરીક્ષા ખંડમાં પ્રવેશ કર્યા બાદ જ ખબર પડશે કે તેમને કયા કોમ્પ્યુટર પર બેસીને પરીક્ષા આપવાની છે.કોમ્પ્યુટર પર બેઠા બાદ વિદ્યાર્થીઓનો ફોટો પાડવામાં આવશે.વિદ્યાર્થીઓની થમ્બ ઈમ્પ્રેશન પણ લેવામાં આવશે.
સમગ્ર પરીક્ષા સીસીટીવી કેમેરાના સર્વેલન્સ હેઠળ લેવામાં આવશે.પરીક્ષા પહેલા આજે તમામ સેન્ટરો પર મોક ડ્રિલ કરવામાં આવી હતી.સાથે સાથે દરેક સેન્ટર પર ૧૦ ટકા કોમ્પ્યુટરો વધારાના પણ રાખવામાં આવ્યા છે.જેથી કોમ્પ્યુટરમાં ખામી સર્જાય તો તરત કોમ્પ્યુટરને બદલી શકાય.