પાર્લે પોઈન્ટના 90 વર્ષીય વયોવૃદ્ધને 15 દિવસ ડીજીટલ એરેસ્ટ કરી રૂ.1.15 કરોડ પડાવ્યા
મૂળ સુરતનો અને હાલ કંબોડીયામાં રહેતો પાર્થ ઉર્ફે મોડલ ગોપાણી આખું નેટવર્ક ઓપરેટ કરે છે : બૈજીંગ મોકલેલા પાર્સલમાં 400 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ છે, બેન્ક ખાતાનો ઉપયોગ જેટ એરવેઝના નરેશ ગોયલના મની લોન્ડરીંગ માટે થયો છે કહી સીબીઆઈ, ઈડી અને મુંબઈ પોલીસના નામે ધમકી
સિક્યુરીટી ડિપોઝીટ પેટે પૈસા ભરાવ્યા બાદ સુપ્રિમ કોર્ટનો લેટર મોકલી વધુ રૂ.40 લાખ ભરવા કહેતા વૃદ્ધ સગા સંબંધીઓ પાસે પૈસા માંગતા હતા તેની જાણ પુત્રને થતા પૂછ્યું ત્યારે તેને જાણ થઈ : સાયબર ક્રાઈમ પોલીસે ટોળકીના મૂળ સૌરાષ્ટ્રના પાંચ સાગરીત બેન્કમાંથી પૈસા ઉપાડતા હતા ત્યારે જ રંગેહાથ ઝડપી લીધા
- મૂળ સુરતનો અને હાલ કંબોડીયામાં રહેતો પાર્થ ઉર્ફે મોડલ ગોપાણી આખું નેટવર્ક ઓપરેટ કરે છે : બૈજીંગ મોકલેલા પાર્સલમાં 400 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ છે, બેન્ક ખાતાનો ઉપયોગ જેટ એરવેઝના નરેશ ગોયલના મની લોન્ડરીંગ માટે થયો છે કહી સીબીઆઈ, ઈડી અને મુંબઈ પોલીસના નામે ધમકી
- સિક્યુરીટી ડિપોઝીટ પેટે પૈસા ભરાવ્યા બાદ સુપ્રિમ કોર્ટનો લેટર મોકલી વધુ રૂ.40 લાખ ભરવા કહેતા વૃદ્ધ સગા સંબંધીઓ પાસે પૈસા માંગતા હતા તેની જાણ પુત્રને થતા પૂછ્યું ત્યારે તેને જાણ થઈ : સાયબર ક્રાઈમ પોલીસે ટોળકીના મૂળ સૌરાષ્ટ્રના પાંચ સાગરીત બેન્કમાંથી પૈસા ઉપાડતા હતા ત્યારે જ રંગેહાથ ઝડપી લીધા
સુરત, : દેશભરમાં વધેલા ડીજીટલ એરેસ્ટ કરી પૈસા પડાવવાના બનાવોમાં સુરતમાં ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે.સુરતના પાર્લે પોઈન્ટના 90 વર્ષીય વયોવૃદ્ધને કુરીયર કંપનીના કર્મચારી તરીકે ફોન કરી બૈજીંગ મોકલેલા પાર્સલમાં 400 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ છે અને તમારા બેન્ક એકાઉન્ટનો ઉપયોગ જેટ એરવેઝના નરેશ ગોયલના મની લોન્ડરીંગ માટે થયો છે કહી સીબીઆઈ, ઈડી અને મુંબઈ પોલીસના નામે ધમકી આપી 15 દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરી સાયબર માફીયાઓએ કાર્યવાહીથી બચવા સિક્યુરીટી ડિપોઝીટ પેટે રૂ.1.15 કરોડ પડાવ્યા હતા.ત્યાર બાદ સુપ્રિમ કોર્ટનો લેટર મોકલી વધુ રૂ.40 લાખ ભરવા કહેતા વૃદ્ધ સગા સંબંધીઓ પાસે પૈસા માંગતા હતા તેની જાણ પુત્રને થતા પૂછ્યું ત્યારે તેને જાણ થતા સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.સાયબર ક્રાઈમ પોલીસે આ ટોળકીના મૂળ સૌરાષ્ટ્રના પાંચ સાગરીત બેન્કમાંથી પૈસા ઉપાડતા હતા ત્યારે જ રંગેહાથ ઝડપી પાડી મૂળ સુરતના અને હાલ કંબોડીયામાં રહી આખું નેટવર્ક ઓપરેટ કરતા યુવાનને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા અને એન્જીનીયરીંગ પ્રોડટક્સનો વેપાર કરતા 59 વર્ષીય મયુરભાઈ ( નામ બદલ્યું છે ) ના 90 વર્ષીય પિતા મોહનભાઈ ( નામ બદલ્યું છે ) હાલ નિવૃત્ત જીવન ગાળે છે.ગત 12 ઓક્ટોબરની રાત્રે 10.30 વાગ્યે તેમના પિતા મોહનભાઈના મોબાઈલ ફોન ઉપર એક વ્યક્તિએ ફોન કરી પોતાની ઓળખ ડીએચએલ કુરીયરમાંથી રાહુલકુમાર તરીકે આપી કહ્યું હતું કે તમે 6 ઓક્ટોબરના રોજ મુંબઈથી બૈજીંગ મોકલેલું પાર્સલ ડિલિવર થયું નથી અને તેમાં લેપટોપ, પાંચ પાસપોર્ટ, સાડા ત્રણ કિલો કપડાં, બેન્ક ડોક્યુમેન્ટસ અને 400 એમ.ડી.ડ્રગ્સ છે.મોહનભાઇએ પોતે આવું કોઈ પાર્સલ મોકલ્યું નથી તેમ કહેતા રાહુલકુમારે તમને મુંબઈ પોલીસના રાજેશ પ્રધાન જોડે વાત કરાવું છું કહી વાત કરાવતા તે વ્યક્તિએ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા તે અંગે મોહનભાઈની કડકાઈપૂર્વક પુછપરછ કરી હતી.મોહનભાઈએ હું સિનિયર સીટીઝન છું અને રાત્રે બે વાગ્યા છે તેથી હેરાન નહીં કરો કહેતા તેમ કહેતા તે વ્યક્તિએ તમે આ બાબતે કોઈ સાથે વાત કરશો તો તમને અને તમારા પુરા પરિવારને જેલમાં જવું પડશે અને તમને ગોળીથી મારી દઈશું તેવી ધમકી આપી હતી.
તેમ છતાં મોહનભાઈ ફોન બંધ કરીને સુઈ ગયા હતા.પણ બીજા દિવસે સવારે છ વાગ્યે તેમના મોબાઈલ ફોન ઉપર કોઈકે વિડીયો કોલ કરી ઈડીના અધિકારી રાહુલ નવીન તમારી સાથે વાત કરવા માંગે છે કહી સીબીઆઈ ડાયરેક્ટર પ્રકાશ અગ્રવાલ સાથે વાત કરાવી હતી.પ્રકાશ અગ્રવાલે આ સીરીયસ કેસ છે અને તમે સિનિયર સીટીઝન છો એટલે તમારે આ મેટરમાંથી નીકળવું હોય તો હું જેમ કહું તેમ તમારે કરવું પડશે.તમારા કેસમાં ઘણા લોકો સંકળાયેલા છે.જેમાં જેટ એરવેઝના નરેશ ગોયેલે 536 કરોડનું મની લોન્ડરીંગ કર્યું છે તે પૈકીના રૂ.2 કરોડના ટ્રાન્ઝેક્શન માટે તમારા કેનેરા બેન્કના એકાઉન્ટનો ઉપયોગ થયો છે અને તે માટે તમને રૂ.2 લાખ કમિશન મળ્યું છે કહી કેસથી બચવું હોય તો તમારી પ્રોપર્ટી અને પર્સનલ ઇન્ફોર્મેશન અમારી સાથે શેર કરો તેમ કહેતા મોહનભાઇએ વિડીયો કોલમ તમામ માહિતી આપી હતી.ત્યાર બાદ તેઓ રોજ મોહનભાઈને ફોન કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા અને બચવા માટે તેમની પાસે રૂ.1,15,50,000 પડાવ્યા હતા.
એટલું જ નહીં તેમને 15 દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરી પૈસા પડાવી સુપ્રિમ કોર્ટનો લેટર મોકલી વધુ રૂ.40 લાખ ભરવા કહેતા મોહનભાઈ પાસે પૈસાની સગવડ ન હોય તે સગા સંબંધીઓ પાસે પૈસા માંગતા હતા તેની જાણ મયુરભાઈને થતા તેમણે પિતાને પૂછ્યું ત્યારે તેમને હકીકતની જાણ થઈ હતી.તેમણે આ અંગે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નં.1930 ઉપર ગત 29 ઓક્ટોબરના રોજ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ પોલીસ હરકતમાં આવી હતી.સાયબર ક્રાઈમ પોલીસે બેન્કમાંથી જરૂરી વિગતો મેળવી તેમજ ટેકનીકલ વર્કઆઉટ કરી ગતરોજ કાપોદ્રા સ્થિત એચડીએફસી બેન્કની બ્રાન્ચમાં ડીજીટલ એરેસ્ટ કરી પડાવેલા પૈસામાંથી કેટલીક રકમ ઉપાડવા આવેલા હાલ સુરતમાં રહેતા મૂળ સૌરાષ્ટ્રના પાંચને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.9.50 લાખ, 9 મોબાઈલ ફોન, 28 સીમકાર્ડ, 46 ડેબીટ કાર્ડ, 23 ચેકબુક, એક કાર, ત્રણ જુદીજુદી કંપનીના ચાર રબર સ્ટેમ્પ, એક્સીસ બેન્કના એકાઉન્ટ ખોલવાના 10 ફોર્મ વિગેરે મળી કુલ રૂ.15,37,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સાયબર ક્રાઈમ પોલીસે તમામની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ મૂળ સુરતના વતની અને હાલ કંબોડીયામાં રહેતા પાર્થ ઉર્ફે મોડલ સંજયભાઈ ગોપાણીના નેટવર્કમાં કામ કરે છે.પાર્થ લોન કન્સલ્ટન્ટ નરેશકુમાર સુરાણીને સૂચના આપતો અને તે અન્યોને બેન્ક એકાઉન્ટ ખોલવાનું, પૈસા ઉપાડવાનું જેવા કામ સોંપતો હતો.સાયબર ક્રાઈમ પોલીસે પાર્થ ગોપાણીને વોન્ટેડ જાહેર કરી, મોહનભાઇને વિડીયો કોલ કરી ડીજીટલ એરેસ્ટ કરનારનો સ્કેચ તૈયાર કરી તેમજ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂ.16,61,802 ફ્રીઝ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
કોણ કોણ ઝડપાયું
(1) વેપારી રમેશકુમાર ચનાભાઇ કાતરીયા ( ઉ.વ.34, રહે.ઘર નં.38, શિવવાટીકા રેસીડેન્સી, શંકર મંદીર પાસે, માકડા, તા.કામરેજ, જી. સુરત. મૂળ રહે.સણોસરી, તા.ગીરગઢડા, જી. ગીર સોમનાથ )
(2) મજૂરીકામ કરતા ઉમેશ કરશનભાઇ જીજાળા ( ઉ.વ.37, રહે.ઘર નં.170, શિવ સમરાથળ સોસાયટી, અર્ચના સ્કુલની બાજુમાં, માકડ ગામ, વલથાળ, કામરેજ, જી.સુરત. મૂળ રહે.નાની ખેરાળી, તા.રાજુલા, જી.અમરેલી )
(3) લોન કન્સલ્ટન્ટ નરેશકુમાર હિંમતભાઇ સુરાણી ( ઉ.વ.33, રહે.ઘર નં.33, ગીતાજંલી રો હાઉસ, વાલક પાટીયા ચોકડી પાસે, સુરત. મૂળ રહે.ક્રાકચ, તા.લીલીયા, જી.અમરેલી )
(4) વેપારી રાજેશભાઇ અરજણભાઇ દિહોરા ( ઉ.વ.50, રહે.ઘર નં.38, મણીનગર સોસાયટી, નારાયણ નગર પાસે, કતારગામ, સુરત. મૂળ રહે.પીપરીયા, તા.બરવાળા, જી. બોટાદ )
(5) મજૂરીકામ કરતા ગોરાંગ હરસુખભાઇ રાખોલીયા ( ઉ.વ.31, રહે.ઘર નં.સી-402, સુકનવેલી રેસિડન્સી,શિવપેલેસની બાજુમાં, કઠોદરા, કામરેજ, જી.સુરત. મૂળ રહે.મોણપરી તા.વીસાવદર, જી.જુનાગઢ )
વોન્ટેડ
(1) પાર્થ ઉર્ફે મોડલ સંજયભાઈગોપાણી ( હાલ રહે.કંબોડીયા )
90 વર્ષીય વૃદ્ધ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે : 15 દિવસ સુધી ડીજીટલ એરેસ્ટને લીધે સાઇકાયટ્રીસ્ટની સારવાર કરાવવી પડી
સુરત, : 15 દિવસ સુધી ડીજીટલ એરેસ્ટને લીધે 90 વર્ષીય વૃદ્ધ મોહનભાઇને સાઇકાયટ્રીસ્ટની સારવાર કરાવવી પડી હતી.યુરીનની તકલીફને લીધે તેમની તબીયત સારી રહેતી ન હોય હાલ પણ તે ડુમસ રોડની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આથી તેમના વતી તેમના પુત્રએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.
આ કેસમાં અરવિદ કેજરીવાલ, નરેન્દ્ર મોદી પણ સંકળાયેલા હોય શકે આથી તમારે કોઈની સાથે ચર્ચા નહીં કરી વાત ગુપ્ત રાખવી પડશે
સુરત, ; 90 વર્ષીય વૃદ્ધને વૃદ્ધને ડીજીટલ એરેસ્ટ કરી રૂ.1.15 કરોડ પડાવનાર ટોળકીએ જેટ એરવેઝના નરેશ ગોયલના મની લોન્ડરીંગમાં તમારા એકાઉન્ટનો ઉપયોગ થયો છે તેમ કહી વધુમાં જણાવ્યું હતું કે આ કેસમાં અરવિદ કેજરીવાલ, નરેન્દ્ર મોદી, સાંસદો કે ધારાસભ્યો પણ સંકળાયેલા હોય શકે આથી તમારે કોઈની સાથે ચર્ચા નહીં કરી વાત ગુપ્ત રાખવી પડશે.
પાર્થ અગાઉ દુબઈમાં રહી નેટવર્ક ઓપરેટ કરતો હતો પણ થોડા સમય અગાઉ તે કંબોડીયા શિફ્ટ થયો છે
તેના સુરતના સાગરીત નરેશકુમાર વિરુદ્ધ મહારાષ્ટ્રમાં પણ ગુનો નોંધાયો છે : તેમની પાસેના બેન્ક એકાઉન્ટ ઉપર સાયબર ફ્રોડની 28 ફરિયાદ થઈ છે
સુરત, : 90 વર્ષના વૃદ્ધને ડીજીટલ એરેસ્ટ કરી રૂ.1.15 કરોડ પડાવવાના પ્રકરણમાં જે બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનું નેટવર્ક કંબોડીયાથી સંભાળતો મૂળ સુરતનો પાર્થ ગોપાણી અગાઉ દુબઈમાં રહીને કામ કરતો હતો.પણ થોડા સમયથી તે કંબોડીયા શિફ્ટ થયો છે.તે સુરતમાં જેને તમામ સૂચના આપી કામ કરાવતો હતો તે લોન કન્સલ્ટન્ટ નરેશકુમાર વિરુદ્ધ મહારાષ્ટ્રમાં પણ ગુનો નોંધાયો છે.તેમની પાસેના બેન્ક એકાઉન્ટ ઉપર સાયબર ફ્રોડની 28 ફરિયાદ નેશનલ સાયબર ક્રાઈમ રીપોર્ટીંગ પોર્ટલ ઉપર થઈ છે.