વડોદરાની 4 વર્ષની બાળકીએ કૃષ્ણાષ્ટકમના 9 શ્લોકને 2 મિનિટ અને 49 સેકન્ડમાં પઠન કરી ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું
Vadodara : વિશ્વની સૌથી પહેલી ભાષા સંસ્કૃત ગણાય છે ત્યારે આજના પશ્ચિમીકરણને કારણે અંગ્રેજી ભાષાએ સમગ્ર વિશ્વમાં પ્રભુત્વ મેળવી લીધું છે, ત્યારે ભારતમાં પણ સંસ્કૃત ભાષા ધીરે-ધીરે માત્ર કર્મકાંડ પૂરતી જ ઉપયોગમાં રહી છે. ધીરે-ધીરે તે પણ લુપ્ત થઈ રહી છે ત્યારે ચાર વર્ષની બાળકી હવે સંસ્કૃત ભાષા શીખીને શ્લોક પણ બોલતી થઈ છે. આ બાળકીએ કૃષ્ણાષ્ટકમના 9 શ્લોકને 2 મિનિટ અને 49 સેકન્ડમાં પઠન કર્યું છે અને તેણીએ ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવી સિદ્ધિ હાંસલ કરી છે.
વડોદરા શહેરના વેમાલી વીસ્તાર ખાતે આવેલા સિદ્ધેશ્વર હેલિક્સમાં રહેતી અને નવરચના પ્રેપ સ્કૂલના જુનિયર વર્ગમાં અભ્યાસ કરતી 4 વર્ષ 11 મહિના અને 13 દિવસની વેદા પાર્થભાઇ હીરપરાએ ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યુ છે. હીન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતી આ નાનકડી બાળકી શ્રી કૃષ્ણાષ્ટકમના 9 શ્લોકને 2 મિનિટ અને 49 સેકન્ડમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. 20 સપ્ટેમ્બર, 2019 ના જન્મેલી વેદાએ વડોદરા શહેર તેમજ ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
બાળકી વેદાના પિતા પાર્થ હિરપરાએ જણાવ્યું છે કે આપણા હિન્દુ સનાતન ધર્મનું જ્ઞાન આપણી આવતી પેઢીને મળી રહે તેવા શુભ આશયથી મારી દીકરીને સંસ્કૃત ભાષામાં રૂચિ વધે તે માટેના પ્રયત્નો નાનપણથી જ કરવામાં આવી રહ્યા હતા અને તે ધીરે-ધીરે સંસ્કૃતમાં ભગવત ગીતા સહિતના વિવિધ શ્લોક પણ બોલી રહી છે. ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે તેણે શ્રી કૃષ્ણાષ્ટકમના 9 શ્લોકને 2 મિનિટ અને 49 સેકન્ડમાં પઠન કર્યું હતું. અને તેનું નામ નોંધવામાં આવ્યું છે.