લાંબા સમયથી ગેરહાજર રહેતાં શિક્ષકો સામે કાર્યવાહી, બનાસકાંઠા જિલ્લાના નવ શિક્ષકોને બરતરફ કરાયા

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
teachers dismissed from duty in Banaskantha


Action against Teachers in Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં આવેલી વિવિધ પ્રાથમિક શાળાઓમાં નિમણુક પામેલા શિક્ષકો ફરજમાં ગુલ્લી મારી વિદેશમાં રહેતા હોવાનું સામે આવતાં વહીવટી તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો હતો. આથી આ ગુલ્લીબાજ શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં એક વર્ષથી વધુના સમયથી ગેરહાજર રહેનાર જિલ્લાના નવ શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. 

એક વર્ષથી ગેરહાજર અને વિદેશ જતાં રહેલા શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં લેવાયા

સરહદી બનાસકાંઠા જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં કેટલાક શિક્ષકો નાના બાળકોના શિક્ષણના ભોગે સળંગ લાંબા સમય સુધી ફરજમાં ગેરહાજર રહેતાં હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેમાં આવા ગુલ્લીબાજ શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. 

નવ શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યા 

જિલ્લાની વિવિધ શાળામાં ફરજ બજાવતાં બે શિક્ષક અને સાત શિક્ષિકા મળી નવ ગુરુજીઓ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ફરજમાં ગેરહાજર તેમજ કેટલાક શિક્ષકો વિદેશમાં રહેતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જેમાં કાંકરેજ તાલુકાના ત્રણ, દાંતા તાલુકાના બે, ધાનેરામાં બે અને વાવ અને દિયોદર તાલુકાના એક એક મળીને એમ કુલ નવ શિક્ષકો ફરજમાં લાપરવાહી દાખવી હોવાથી શિક્ષણ વિભાગના વર્ષ 2006 અનવ્યે તેમનું રાજીનામું ફરજિયાત મંજૂર કરી ફરજમાંથી બરતરફ કરવામાં આવતાં જિલ્લામાં ગુલ્લીબાજ શિક્ષકોમાં હલચલ મચી જવા પામી છે.

લાંબા સમયથી ગેરહાજર રહેતાં શિક્ષકો સામે કાર્યવાહી, બનાસકાંઠા જિલ્લાના નવ શિક્ષકોને બરતરફ કરાયા 2 - image

લાંબા સમયથી ગેરહાજર રહેતાં શિક્ષકો સામે કાર્યવાહી, બનાસકાંઠા જિલ્લાના નવ શિક્ષકોને બરતરફ કરાયા 3 - image


Google NewsGoogle News