ભાવનગર જિલ્લા જેલમાં 9 કેદીઓને વહેલી જેલ મુક્તિ અપાઇ
- 12 કેદીઓ પૈકી 9 બંદીવાન મુક્ત થયા
- કેદીઓ જેલ મુક્ત થતા બંદીવાનોના સગા સંબંધીઓ ભાવુક થયા હતા
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત જેલ વિભાગના વડા પોલીસ મહાનિદેશક ડા.કે.એલ.એન.રાવના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લા જેલના અધિક્ષક એલ.એમ.રાઠોડના પ્રયત્નો દ્વારા ભાવનગર જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલ કુલ-૧૨ પાકા કામના કેદીઓની જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગરના અધ્યક્ષ સ્થાન હેઠળ જેલ સલાહકાર સમિતીમાં થયેલ ચર્ચા અન્વયે તમામ સભ્યોની સહમતીથી ૧૧ પાકા કામના કેદીઓને હકારાત્મક અભિપ્રાય આપવામાં આવતા સરકારના ગૃહ વિભાગના હુકમ અન્વયે ભાવનગર જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલા પાકા કામના કેદી નીતીનભાઇ ભુરાભાઇ ઝાલા, અશોકભાઇ ભગવાનભાઇ ઝાલા, નિલેષભાઇ ધનજીભાઇ ઝાલા, ભરતભાઇ વાધાભાઇ બારૈયા, સબુરભાઇ હરીભાઇ ડાભી, જીણાભાઇ રવજીભાઇ ડાભી,પ્રવિણભાઇ ધરમશીભાઇ કામ્બડ, કિશોર ઉર્ફે પોપટ વેલજીભાઇ ચુડાસમા,ધીરૂભાઇ નાનજીભાઇ ભીલને જેલ નિયમો મુજબ ૧૪- વર્ષની સજા પુર્ણ કરેલ હોય અને જેલ જીવન દરમિયાન સારી વર્તણુક ધરાવતા હોય તથા પોતાની ભુલનુ પશ્ચાતાપ કરી વિવિધ સુધારાત્મક પ્રવૃતિમાં ભાગ લઇ માનસ પરીવર્તન થયેલ હોય તેમજ વિવિધ જેલ ઉદ્યોગોમાં કામગીરી કરેલ હોવાથી કુલ-૧૨ કેદીઓ માંથી હાલ ૦૯ પાકા કામના કેદીઓની બાકીની સજા માફ કરી બીએનેસએસ-૨૦૨૩ ની કલમ ૪૭૩ મુજબ વહેલી જેલ મુક્તિ આપવામાં આવી હતી.અને ઉપરાંત ઉપરોકત બંદીવાનો પોતાનુ જીવન પરિવાર સાથે શાંતિમય તેમજ સુખમય વ્યતિત કરે તે હેતુસર અધિક્ષક એલ.એમ.રાઠોડ દ્વારા કેદીઓને શ્રીમદ ભાગવત ગીતા આપી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. પાકા કેદીઓ જેલ મુક્ત થતા બંદીવાનોના સગા સંબંધીઓ ભાવુક થયેલ હતા.