જેતપુરમાં પ્રેમ સંબંધ મામલે 2 જૂથ વચ્ચે મારામારી થતા 9 લોકો ઘવાયા

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
જેતપુરમાં પ્રેમ સંબંધ મામલે 2 જૂથ વચ્ચે મારામારી થતા 9 લોકો ઘવાયા 1 - image


કાણકીયા પ્લોટ વિસ્તારમાં બનેલો બનાવ સામસામી ફરિયાદઃ ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા

જેતપુર, : જેતપુરમાં પ્રેમસંબંધ મામલે બે જૂથ વચ્ચે મારામારી થતા નવ લોકો ઘવાયા હતા. ઘવાયેલા લોકોને સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવ અંગે જેતપુર સીટી પોલીસે સામસામી ફરિયાદ પરથી નવ શખસો સામે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ જેતપુરમાં વાલ્મીકિવાસ અંબર ટોકીઝની પાછળ રહેતા સાહીલ મનોજભાઈ વાઘેલા (ઉ.વ.૧૯)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે માનવ ગોપાલ ઝાલા, ગૌતમ દિપક ઝાલા, દિવ્યેશ મહેશ ઝાલા, સાગર જેન્તી ઝાલા અને મનીષ મહેશ ઝાલાનું નામ આપતા જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, ગઇકાલે રાતના સમયે તે કણકીયા પ્લોટમાં મંગલમ કોમ્પલેક્ષની સામે ગણેશ ગેરેજ પર કુલદીપભાઇ વાઘેલા, પ્રશાંત વાઘેલા સાથે બેઠો હતો.ત્યારે તેમને અગાઉ પ્રમસંબધ મામલે  બોલાચાલી થયેલ હતી. તે માનવ ઝાલા તેમની પાસે આવેલ અને કહેવા લાગેલ કે, તારા મોટા બાપુના દીકરા રાજને અમે માર્યો હતો ત્યારે તમે અમારૂ શું બગાડી લીધું તેમ કહી બોલાચાલી કરી ઝપાઝપી કરતા તેના મિત્રો છોડાવવા વચ્ચે પડતા બંન્ને મિત્રોને તેમજ પોતાને પણ હાથ-પગમાં  ઈજા થયેલ હતી. દરમિયાન ગૌતમ ઝાલા, દિવ્યેશ ઝાલા ઘસી આવેલ અને તેમજ યુવાનના પિતા મનોજભાઇ વાઘેલા આવતા તમને પણ આરોપીઓએ લાકડીથી માર માર્યો હતો.ત્યારબાદ તેમના સંબંધી રાજભાઈ વાઘેલા સહીતના લોકો હોસ્પિટલે દોડી આવેલ અને કહેલ કે, તેમની સાથે પણ આરોપીઓએ મારામારી અને ઝઘડો કરેલ છે. વધુમાં ફરિયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે તેમના મોટા બાપુના દીકરા રાજભાઈ વાઘેલાને માનવ ઝાલાની બહેનની સાથે પ્રેમસંબંધ હોય જે બાબતનો ખાર રાખી હુમલો કર્યો હતો. 


Google NewsGoogle News