પાલિતાણામાં 9 મુમુક્ષુને દીક્ષા અપાઈ, દીક્ષિતોનો આંકડો 2000 ને પાર પહોંચ્યો
- હીરસૂરિશ્વરજી અને સેનસૂરીશ્વરજી મ.સા.ના સમયે તપાગચ્છમાં બે હજારથી વધુ સંયમી હતા
- 6 દીક્ષિતોની વડીદિક્ષાની વિધિ સાથે થઈ, ચાર્તુમાસની પણ ઘોષણા કરાઈ
પાલિતાણાના જાલોરી કલ્યાણ ભવનમાં વર્ષાવાસ બાદ દિક્ષાદાનના વિવિધ મહોત્સવ ઉજવાયા છે. ગત શુક્રવારે પાલિતાણાના રાજમાર્ગો પર નવ દિક્ષાર્થીઓનો વરઘોડો નીકળ્યો હતો. ત્યારબાદ બહુમાન માટેની ઉછામણીમાં ઘણાં વિક્રમો સ્થપાયા હતા. આજે તા.૧૪-૧૨ને શનિવારે સવારે દીક્ષોત્સવ બપોરે પૂર્ણ થયો હતો. જેમાં આઠ આચાર્યો, ૪૦૦ સાધુ-સાધ્વીજી અને ૪૦૦૦ દર્શકોની ઉપસ્થિતિમાં જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વરજી મ.સા.એ નવ મુમુક્ષોને દીક્ષા આપતા તપાગચ્છ સમુદાયમાં દીક્ષિતોનો આંકડો બે હજાર ઉપર પહોંચતા ૪૦૦ વર્ષનો રેકોર્ડ ફરી સ્થાપિત થયોછે. અકબરને અહિંસક બનાવનાર જગદ્ગુરૂ હીરસૂરીશ્વરજી અને સેનસૂરીશ્વરજી મહારાજના સમયમાં તપાચ્છમાં બે હજારથી વધુ સંયમી હતી. આજના દિક્ષા પ્રસંગે મહારાષ્ટ્ર ભવનથી આચાર્ય નયવર્ધનસૂરીજી મહારાજ પણ ઓઘો પ્રદાન કરવા ઉપસ્થિતિ રહ્યા હતા. આચાર્ય કીર્તિયશસૂરીજીના પાંચ ભાઈઓ શિષ્ય બનતા તેમના શિષ્યોની સંખ્યા ૬૮ થઈ હતી. વધુમાં નવ દીક્ષિતોના ઉપકરણો અને નૂતન નામકરણની બોલીઓ બોલાઈ હતી. સાધ્વીજી મહારાજો પુ.સા.પ્રશમિતાશ્રીજી મહારાજના શિષ્ય-પ્રશિષ્યા બન્યા હતા. આજે છ દીક્ષિતોની વડીદિક્ષાની વિધિ પણ સાથે થઈ હતી. આચાર્યોએ વિવિધ મહાત્માઓના ચાર્તુમાસની પણ ઘોષણા કરી હતી.