સોમનાથના કાર્તિકી પૂર્ણિમાના મેળાને 9 લાખ લોકોએ માણ્યો
5 દિવસીય પરંપરાગત લોકમેળો પૂર્ણ : સોમનાથ મંદિરમાં પૂર્ણિમાએ મધ્યરાત્રિએ વિશેષ મહાપૂજા તથા મહાઆરતી યોજાતા ભાવિકો ઉમટયા
વેરાવળ, : સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાના પાંચ દિવસીય લોકમેળાની આજે પૂર્ણાહુતિ થઇ હતી. લોકમેળાને પાંચ દિવસમાં ૯ લાખથી વધુ લોકોએ માણ્યો હતો. આજે કાર્તિકી પૂર્ણિમાની રાત્રિના સોમનાથ મંદિરમાં વિશેષ મહાપૂજા તથા મહાઆરતી યોજાતા તેમાં ભાવિકો ઉમટયા હતાં. મંદિર રાત્રિના ૧ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહ્યું હતું.
સોમનાથમાં કાર્તિક પૂર્ણિમા મેળાનું સમાપન થયું હતું. ત્યારે મેળાના પાંચ દિવસીય 9 લાખથી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી હતી. મેળાના મુખ્ય આકર્ષણ સ્વરૂપે 200થી વધુ જાતના ખાણીપીણીના વ્યજન પીરસતી ફૂડ માર્કેટ, સરકારના ઇન્ડેક્સ-સી વિભાગના હસ્તકલા અને લલિત કલાની પ્રદર્શની અને માર્કેટ, જેલના કેદીઓ દ્વારા બનાવવામાં આવેલ સ્વાદિષ્ટ ભજીયા, નાના બાળકો માટેની ૫૦૦થી વધુ રાઇડ્સ અને સૌથી મોટો આકર્ષણ કેન્દ્ર એવો સોમનાથ ટ્રસ્ટ આયોજિત સાંસ્કૃતિક લોક ડાયરો લોકો માટે અવિરત મનોરંજનનું સાધન બન્યા હતાં. સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિક પૂર્ણિમાના લોકમેળામાં રોજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં. આ કાર્યક્રમોએ અનેરી જમાવટ કરી હતી. સોમનાથ મહાદેવ મંદિરે આજે કાર્તિકી પૂનમે દિવસભર દર્શનાર્થે ભાવિકોનો ભારે ધસારો રહ્યો હતો. મંદિરમાં રાત્રે વિશેષ મહાપૂજા તથા મહાઆરતી યોજાતા તેનો લાભ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ લીધો હતો. સોમનાથ મંદિર રાત્રે 1 વાગ્યા સુધી દર્શનાર્થે ખુલ્લુ રહ્યું હતું.