કંપનીમાંથી નિવૃત્તિની ખુશીમાં દારૂની પાર્ટી આપી : ખાનગી કંપનીના 9 કર્મચારીઓની ધરપકડ
Vadodara Liquor Party : પાદરા તાલુકામાં આવેલી એક ખાનગી કંપનીમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીએ પોતાના ખેતરમાં રાખેલી દારૂની પાર્ટીમાં પોલીસે દરોડો પાડી કંપનીના 9 કર્મચારીઓને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા.
આ અંગેની વિગત એવી છે કે પાદરા તાલુકાના વાસણારેફ ગામમાં રહેતા મહેબૂબભાઈ રસુલભાઈ પઠાણ philips કંપનીમાં નોકરી કરતા હતા. તેમણે નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ તેમની સાથે કામ કરતા અન્ય કર્મચારીઓ માટે દારૂની પાર્ટીનું પોતાના ખેતરમાં જ આયોજન કર્યું હતું.
ગઈકાલે સાંજે મહેબૂબભાઈ પઠાણના ગોરાટવગા વાળા ખેતરમાં ખાવા પીવાને પાર્ટી ચાલતી હતી ત્યારે વડુ પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસે પ્રકાશ પ્રભાત પરમાર રહે મંત્રીવાળું ફળિયુ ગામેઠા તાલુકો પાદરા, ભાવેશ રમેશ પઢીયાર, રજનીકાંત ઉર્ફે અજય જેસંગ ઠાકોર, મુકેશ ઉર્ફે મયુર વાસુદેવ પરમાર, જયદીપસિંહ ફતેસિંહ ગોહિલ, જગદીશ ઉદેસંગ જાદવ, રાજેશ ભગવાન પ્રસાદ સિંઘ, કલ્પેશ ભાસ્કર ગાલફડે અને વિજય જગદીશ પટેલને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડી પોલીસે દારૂની બે બોટલ બીયરનો એક ટીન ત્રણ મોબાઇલ મળી 9,811 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.