વેસુ પોલીસ મથકમાં વેપારીના મોતની ઘટના: વેસુના વેસ્ટ ફિલ્ડમાં વેપારીને ઢોર માર મારતા મોતની ઘટનામાં હત્યાનો ગુનો, 9 ની ધરપકડ
- ફૂટેજમાં વેપારી અશ્લીલ હરકત કરતા નજરે પડયો ત્યાર બાદ ટોળાએ વેપારીને ઢોર માર મારતા પડી ગયા બાદ ઘસડીને માર માર્યો હતો
- નંદિની એપાર્ટમેન્ટમાં રહેતો વેપારી સાગર નેતાનીય કોમ્પ્લેક્ષની બહાર નીકળી રસ્તા ઉપર પહોંચ્યો ત્યાંથી પરત લાવી પુનઃ માર માર્યો હતો
સુરત
વેસુના વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્ષમાં જાહેરમાં અશ્લીલ હરકત કરનાર કાપડ વેપારીને કંટ્રોલ રૂમના કોલના આધારે પીસીઆર પોલીસ સ્ટેશન ખાતે લઇ આવ્યા બાદ તેનું અચાનક જ મોત થવાની ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી વેપારીને ઝાડુ તથા ઢીક-મુક્કીકનો માર મારતા પડી ગયા બાદ પણ ઘસડીને માર મારનાર ટોળા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી 9 જણાની ધરપકડ કરી છે.
વેસુના આગમ શોપીંગ સેન્ટરની સામે વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્ષમાં અશ્લીલ હરકત કરનાર કાપડ વેપારી એવા બે સંતાનના પિતા સાગર સુનીલ નેવાતીયા (ઉ.વ. 39 રહે. શ્રી નંદિની એપાર્ટમેન્ટ, વેસુ) ના અપમૃત્યુ કેસમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં કપાળ અને બંને હાથમાં ચકામાના નિશાન હોવાનું અને મૃત્યુ માટે બોથર્ડ જેવા પદાર્થથી ઇજા થતા મોત થયાનું જણાવ્યું હતું. જેથી પોલીસે કોમ્પ્લેક્ષના સીસીટીવી ફૂટેજ ચકાસતા જાહેરમાં અશ્લીલ હરકત કરનાર સાગરને ટોળાએ ઝાડુ, ઢીક-મુક્કીનો માર્યો હતો અને પડી જતા તેને ઘસડીને બેરહમી પૂર્વક માર માર્યો હતો અને તેના કપડા પણ ફાટી ગયા હતા.
ઉપરાંત ટોળાએ માર માર્યા બાદ સાગર કોમ્પ્લેક્ષમાંથી બહાર નીકળી રસ્તા ઉપર ચાલ્યો ગયો પરંતુ ત્યાંથી પણ પરત લઇ આવી બીજી વખત પણ માર માર્યો હતો. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી સાગરને માર મારનાર ટોળામાં સામેલ વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્ષના રોયલ સ્ટેશનરી નામે દુકાન ધરાવતો અમન, ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇનીંગ એન્ડ ટેક્નોલોજીના રાજેશ, અક્ષય, અનુપમ, રીયલ એસ્ટેટના ધંધાર્થી વીર પટેલ, ભારત મસાલા સ્ટોરના નિતીન, સેવન સ્લૂન નામે દુકાન ધરાવતા અમર સહિતના ટોળા વિરૂધ્ધ ગત મોડી રાતે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જયારે આજ રોજ પોલીસે હત્યાના આ ગુનામાં 9 જણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધરપકડ કરવામાં આવેલા હત્યાના આરોપીના નામ
વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્ષમાં સ્ટેશનરીની દુકાન ધરાવતા અમનચંદ ધીરેનચંદ ઠાકોરી (ઉ.વ. 27 રહે. સુમન સાગર એપાર્ટમેન્ટ, વેસુ), ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇનીંગ એન્ડ ટેક્નોલોજીના રાજેશ અશોક બોરસે (ઉ.વ. 33 રહે. ગોર્વધન નગર, નવાગામ-ડીંડોલી), અક્ષય સંજય મંડલ (ઉ.વ. 25 રહે. અભિષેક પાર્ક, સોમેશ્વર રોડ, વેસુ), અનુપમ અશોક ગોહેલ (ઉ.વ. 39 રહે. સૂર્યા કોમ્પ્લેક્ષ, અણુવ્રત દ્વાર, સિટીલાઇટ રોડ, સુરત), રીયલ એસ્ટેટના ધંધાર્થી વીર કલ્પેશ પટેલ (ઉ.વ. 20 રહે. નવદુર્ગા સ્ટ્રીટ, આભવા), ભારત મસાલાના નિતીન ભરત વસાવા (ઉ.વ. 24 રહે. મોટા માછીવાડ, આભવા), સલૂન ચલાવતા અમર સુરેશ માધવીયા (ઉ.વ. 36 રહે. સુમન સાગર આવાસ, વેસુ), ટેલરીંગ કામ કરતા તુષાર વિનુ ગોહેલ (ઉ.વ. 40 રહે. હેપ્પી એલીગન્સ, કેનાલ રોડ, વેસુ) અને ધર્મેશ ભરત ગોહેલ (ઉ.વ. 32 રહે. મારૂતિનગર, કૈલાશ ચોકડી, પાંડેસરા)