છાણી છાયાપુરી રેલવે સ્ટેશન નજીકના ગોડાઉનમાંથી રોકડા ૯.૮૦ લાખની ચોરી
મળસ્કે ચાર વાગ્યે છ ચોર આવ્યા અને અડધો કલાકમાં ચોરી કરીને ફરાર થઇ ગયા
વડોદરા,છાણી છાયાપુરી રેલવે ગરનાળા પાસે આવેલા બીગ બાસ્કેટના ગોડાઉનમાંથી ચોર ટોળકી રોકડા ૯.૮૦ લાખ ચોરી ગઇ હતી. તેમજ નજીકમાં આવેલા કારના શો રૃમમાંથી પણ ચોર ટોળકી રોકડા રૃપિયાની ચોરી કરી ગઇ હતી.
ગોરવા અલંકાર ટેનામેન્ટમાં રહેતા વનરાજભાઇ ચતુરભાઇ માખણા બીગ બાસ્કેટ નામની બેંગ્લોરની કંપનીમાં છેલ્લા ૧૦ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરે છે. છાણી - સોખડા રોડ પર છાયાપુરી રેલવે ગરનાળા તથા રવિ શિખર - ૨ બિલ્ડિંગ પાસે કંપનીનું ગોડાઉન આવેલું છે. છાણી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગોડાઉનના પાછળના ભાગે ઓફિસ કમ કેશ કાઉન્ટર કેબિન બનાવ્યું છે.આખા દિવસ દરમિયાન આવેલા રોકડા રૃપિયા કેબિનમાં મૂકેલી તિજોરીમાં રાખવામાં આવે છે. બીજા દિવસે સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ અમદાવાદની હ્યુમન કેપિટલ ઇન્ડિયા લિ. નામની એજન્સીને આપ્યો છે. દિવસ દરમિયાન ૬ અને રાતે ૩ ગાર્ડ નોકરી પર હોય છે. ગઇકાલે રાતે ગોડાઉનના પાછળના ભાગનું પાર્કિંગવાળું શટર ઉંચુ કરીને ચોર ટોળકી કેબિનની તિજોરી બાજુમાં રાખેલી ચાવીથી ખોલીને રોકડા ૯.૭૦ લાખ ચોરી ગઇ હતી. તેમજ નજીકમાં બીજી તિજોરીમાં હાથ ખર્ચ માટે મૂકેલા રોકડા ૯,૭૦૦ રૃપિયા પણ ચોર લઇ ગયા હતા. સીસીટીવી ચેક કરતા મળસ્કે ૪ઃ ૦૫ કલાકે છ ચોર અંદર ઘુસતા દેખાય છે. તેમજ ૪ ઃ ૩૬ કલાકે તેઓ બહાર નીકળતા દેખાય છે.
નજીકમાં જ આવેલા મહિન્દ્રાના શો રૃમના મેનેજર ગૌરાંગ પરીખે પણ છાણી પોલીસ સ્ટેશને આવીને જણાવ્યું હતું કે, અમારા શો રૃમના સીસીટીવી ફૂટેજ ચેક કરતા રાતે ૨ ઃ ૩૮ કલાક થી ૩ વાગ્યા દરમિયાન છ ચોર કંપાઉન્ડની દીવાલ કૂદીને એકાઉન્ટન્ટની કેબિનના ટેબલના ડ્રોવરમાંથી પાંચ હજાર રોકડા ચોરી ગયા હતા.