મકાન માટે 60 લાખની લોન અપાવવા માટે 9.40 લાખ પડાવી લીધા,બેન્કના ક્લસ્ટર મેનેજર સહિત 5 સામે ફરિયાદ
સુભાનપુરા વિસ્તારમાં રહેતા એક વેપારીને મકાનની લોન અપાવવાના નામે રૃ.૯.૪૦ લાખ પડાવી લીધા પછી પણ વધુ રકમની માંગણી કરી ધમકીઓ આપતાં અને જ્ઞાાતિ વાચક અપમાનજનક ઉચ્ચારણો કરતાં સીડીબી બેન્કના અધિકારી તરીકે પરિચય આપનાર પ્રણવ પટેલ સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
સુભાનપુરામાં રહેતા અને દુકાન ધરાવતા મહેન્દ્રભાઇએ પોલીસને કહ્યું છે કે,મારે લોનની જરૃર હોવાથી એક પરિચિત મારફતે પ્રણવ ચતુરભાઇ પટેલ(મંગલમ પાર્ક,ગોરવા) સાથે ઓળખાણ થઇ હતી.સીડીબી બેન્કના ક્લસ્ટર મેનેજર તરીકે પરિચય થયા બાદ તેમણે રૃ.૨ લાખની લોન કરાવી આપી હતી.
ત્યારબાદ મારે મકાન માટે રૃ.૬૦લાખની લોનની જરૃર હોવાથી પ્રણવ પટેલે ચિરાગ રાજપૂત(સાંગાડોલ ગામ,વાઘોડિયા),રોહન પટેલ અને પરેશ સાથે બેન્ક અધિકારી તરીકે પરિચય કરાવી લોન માટે રૃ.૧૦ લાખનો કર્ચ થશે તેમ કહ્યું હતું.જેથી મેં ટુકડેટુકડે રૃ.૯.૪૦લાખ ચૂકવ્યા હતા.
આમ છતાં મને લોનની રકમ અપાવી નહતી.જેથી મેં લોન અથવા મારી રકમ પરત કરવા કહેતાં પ્રણવ પટેલ અને ચેતન પટેલ(નિઝામપુરા)એ મારા ઘર સુધી આવી અપમાન જનક ઉચ્ચારણો કર્યા હતા.તેમણે મારા બંને દીકરા ક્યાં નોકરી કરે છે ેત જાણીએ છીએ કહી ઉઠાવી જઇ મારી નાંખવાની ધમકી આપી હતી.જેથી ગોરવા પોલીસે તમામ સામે ગુનો નોંધ્યો છે.