આજથી 869 વર્ષ પહેલાં દ્વારકા છોડી ડાકોર આવ્યા હતા રણછોડરાય, સવા લાખનો મુગટ ધરાવાશે
Dakor Temple History: કારતક પૂર્ણિમા પર ભક્ત બોડાણાની અતૂટ ભક્તિને વશ થઈને દ્વારકા છોડી ડાકોર આવવાને શ્રી રણછોડરાયને 869 વર્ષ પૂરા થશે. આ મહાપર્વ પર ઠાકોરજીને સવા લાખનો મોટો મુગટ ધરાવાશે અને દેવ દિવાળી પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.
ડાકોરના ઠાકોરની દ્વારકાથી ડાકોર સુધીની યાત્રા પાછળ લોકવાયકા પ્રસિદ્ધ છે. 8 સદીઓ પહેલા ડાકોર ગામમાં કૃષ્ણ ભક્ત વિજયસિંહ બોડાણા રહેતા હતા. તે દર છ મહિને પૂનમે ડાકોરથી દ્વારા પગપાળા હાથમાં તુલસી રોપેલું કુંડ લઈને ભગવાનના દર્શનાર્થે જતા હતા. 72 વર્ષની ઉંમર સુધી આ ક્રમ રાબેતા મુજબ રહ્યો પરંતુ ત્યારબાદ ઉંમરના કારણે તેમને તકલીફ પડવા લાગી. ભગવાન કૃષ્ણ પોતાના ભક્તની આ તકલીફ જોઈ ન શક્યા.
આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું, કે હું દ્વારકાથી ડાકોર આવીશ. તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે. ભક્ત બોડાણા બીજી વખત સાથે ખખડધજ ગાડું લઈને દ્વારકા આવ્યા. પુજારીઓએ પુછતાં, ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે તેવો નિખાલસતાથી જવાબ આપ્યો. જેથી દ્વારકાના પુજારીઓએ રાત્રે મંદિરને તાળા મારી દીધા. પરંતુ ભગવાન કોઈનાં બંધનમાં રહેતાં નથી. તેમણે આ તાળા તોડીને બોડાણાની સાથે ડાકોર જવા પ્રયાણ કર્યું.
આ પણ વાંચો: રાજ્યનું એકમાત્ર 250 વર્ષ જૂનું કાર્તિક મંદિર આજે દર્શનાર્થીઓ માટે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખુલશે
દ્વારકાથી થોડે દુર નીકળ્યા બાદ ભગવાને બોડાણાને કહ્યું કે, હવે તું ગાડામાં આરામ કર હું ગાડું ચલાવીશ. ફક્ત એક રાતમાં રાજા રણછોડરાય ડાકોરમાં આવી ગયા. સવારે બિલેશ્વર મહાદેવ નજીક લીમડા ડાળ પકડી બોડાણાને જગાડયોને ગાડું ચલાવવા કહ્યું. ભગવાનના સ્પર્શથી લીમડાની એક ડાળ મીઠી થઈ ગઈ. ભગવાનને દ્વારકામાં ના જોતા પાછળ પાછળ આવી પહોંચેલા ગુગળીઓથી ભગવાનને બચાવવા બોડાણાએ મૂર્તિ ગોમતીમાં પધરાવી દીધી અને જાતે ગુગળીઓને મળવા ગયા.
દ્વારકાનાં પુજારીઓએ એક યુક્તિ અજમાવી કે જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો મૂર્તિના વજન જેટલું સોનું મુકવું. તેઓ જાણતાં હતાં કે બોડાણા ખૂબ ગરીબ માણસ છે, એટલે સોનું આપી નહી શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે. બોડાણા પાસે સોનાના નામે તેની પત્નીએ પહેરેલી ફક્ત નાકની વાળી હતી. જ્યારે મૂર્તિની સામે ત્રાજવામાં તેને મુકવામાં આવી, ત્યારે તેનું અને મૂર્તિનું વજન બરાબર થયું. આવી રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમાં થયું.
કારતક પૂનમે સાડા ચાર વાગ્યે મંગળા આરતી થશે
કારતક પૂનમના દિવસે સવારે સાડા ચાર વાગ્યે મંગળા આરતી થશે અને સાડા ચારથી 7:40 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ત્યારબાદ સવારે 8 વાગ્યાથી બપોરના 2, બપોરના 3 થી 5 વાગ્યા દરમિયાન દર્શન ખુલ્લા રહેશે. સાંજે સાડા પાંચ વાગ્યે ઉત્થાપન આરતી થઈ નિત્યક્રમાનુસાર શયનભોગ સખડીભોગ આરોગી અનુકુળતાએ શ્રી ઠાકોરજી પોઢી જશે.