ભાદરવી પૂનમના મહામેળામાં બસ માટે નહી મારવા પડે ફાંફા, જાણી લો ક્યાંથી કયા રૂટની મળશે બસ

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
ભાદરવી પૂનમના મહામેળામાં બસ માટે નહી મારવા પડે ફાંફા, જાણી લો ક્યાંથી કયા રૂટની મળશે બસ 1 - image


Ambaji Bhadarvi Poonam Fair 2024 : યાત્રાધામ અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મહામેળામાં લાખ્ખો માઈભક્તો આવતા હોવાથી એસટી નિગમ દ્વારા વિશેષ આયોજન કરાયા છે. અંબાજી તરફ જવા જતા દર્શન કરી પરત ફરતા યાત્રીકોના ધસારાને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ માઇભક્તોને અંબાજીથી પરત પોતાના ગામ તેમજ શહેરમાં જવા માટે સરળતા મળી રહે તે હેતુથી એસટી વિભાગ દ્વારા પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ એસટી વિભાગની 850 બસો દોડાવાશે. જે અંબાજીમાં નિયત કરેલા ત્રણ હંગામી સ્ટેન્ડ ઉપર રાત દિવસ મુસાફરોનું વહન કરશે.

અંબાજીમાં જીએમડીસી ગ્રાઉન્ડ, આરટીઓ સર્કલ અને ગબ્બર તળેટી ખાતે હંગામી બસ સ્ટેશન બનાવાયા

ઉત્તર ગુજરાતન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે  12 સપ્ટેમ્બરને ગુરુવારથી માં અંબાનો ભાદરવી પૂનમનો મેળાનો વિધિવત પ્રારંભ થઇ ચૂક્યો છે.  આ સાત દિવસીય મહા મેળામાં ગુજરાતના ખૂણે ખૂણેથી તેમજ અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો પગપાળા યાત્રા કરીને આવતા હોય છે. ચાલુ વર્ષે ભાદરવી પૂનમના મીની કુંભમાં ત્રીસ લાખથી વધુ યાત્રીઓ માં અંબાના દર્શન કરવા ઉમટવાના હોય આ યાત્રીકો  અંબાજીમાં માતાજીના દર્શન કર્યા બાદ સસ્તી અને સલામત મુસાફરી કરી પરત પોતાના ગામ પહોંચી શકે તે માટે એસટી વિભાગ દ્વારા અંબાજી મેળામાં 850 બસો દોડાવવા આયોજન કરાયું છે.

આ પણ વાંચો : ભાદરવી પૂનમના મહાકુંભના પ્રથમ દિવસે 1.95 લાખ ભક્તો ઉમટ્યા: 80,00,000 થઇ આવક  

જેમાં પાલનપુર એસટી વિભાગના સાત ડેપોની 250, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ વિભાગની 200-200 મળી 600 બસો દોડાવવામાં આવશે. જેમાં બનાસકાંઠા રૂટની બસો માટે અંબાજીમાં આરટીઓ સર્કલ અને ગબ્બર તળેટી ખાતે સ્ટેન્ડ અપાયું છે. 

જ્યારે મેહસાણા, હિંમતનગર અને અમદાવાદ રૂટની બસો માટે અંબાજીમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હંગામી સ્ટેન્ડ અપાયું છે. જ્યાંથી યાત્રીકો પોતાના રૂટની બસો મેળવી શકશે. સાથે યાત્રીકો માટે દાંતાથી અંબાજી અને અંબાજીથી ગબ્બર પર્વત જતા માટે મીની બસો અને ગુર્જરનગરી બસો મુકાઇ છે. તેમજ અંબાજી  તરફની એસટી બસોમાં રસ્તામાં ખામી સર્જાય તો તાત્કાલિક સમારકામ કરવા માટે મિકેનિકલ સ્ટાફના પણ વિવિધ સ્થળો ઉપર પોઇન્ટ આપવામાં આવ્યા છે.

બનાસકાંઠાના કેટલાક લોકલ રૂટ કપાશે

પાલનપુર એસટી વિભાગના સાત ડેપો ની 250 બસો મેળા માટે મૂકવામાં આવી હોવાના કારણે જિલ્લામા પુરતા પ્રમાણમાં મુસાફરો મળતા ના હોય તેવા રૂટની લોકલ બસો તેમજ નાઈટ હોલ્ટ વાળી બસોમાં કાપ મૂકવામાં આવ્યો છે. જ્યારે એક્સપ્રેસ રૂટની બસો રાબેતા મુજબ ચાલુ રહેશે.

આ પણ વાંચો :  મા અંબાના દર્શન કરી પરત ફરતાં માઈભક્તો માટે એસટી વિભાગે કરી ખાસ વ્યવસ્થા, જોઈ લો આ મેપ

અંબાજીમાં ત્રણ હંગામી બસ સ્ટેશન બનાવાયાં

ભાદરવી પૂનમના મેળાને લઇ અંબાજીમાં બનાસકાંઠા જિલ્લાના વિવિધ રૂટ આરટીઓ સર્કલ અને ગબ્બર તળેટી ખાતે એસટી પોઇન્ટ આપવામાં આવ્યા છે. જ્યારે મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ રૂટ માટે જીએમડીસી ગ્રાઉન્ડમાં એસટી પોઇન્ટ અપાયો છે. મેળાને લઇ પાલનપુર અને ડીસાથી અંબાજી રૂટની બસો જતા વાયા વિરમપુરથી અંબાજી જશે. વળતા વાયા આબુરોડથી પરત ફરશે.


Google NewsGoogle News