ભુજથી મુન્દ્રાનો 60 કિ.મી.માંથી 85 ટકા રોડ ખરાબ હાલતમાં
અવારનવાર બનતા અકસ્માતના બનાવો છતાં તંત્ર બેદરકાર
માઈલ સ્ટોનના ઠેકાણા નથી, ઓવરલોડ વાહનો સામે તંત્રની અજાણતા, ખાનગી બસમાં ઘેટા બકરાની માફક ભરાતા પેસેન્જરોઃ ફોર લેન કરવાની તાતી જરૂરિયાત
ભુજ- મુંદરા ધોરીમાર્ગ પર ચાલતા ઓવરલોડ વાહનો ઉપર તંત્રનો કોઈ કાબુ નથી. ભ્રષ્ટાચારમાંથી ખદબદતા તંત્રએ સારો રોડ બનાવવાની જરૂરિયાત છે. તેમજ ખાનગી બસમાં ઘેટા બકરાની માફક ભરાતા પેસેન્જરોની સંખ્યા ઉપર અંકુશ મુકવો જોઈએ.
ઉપરાંત, મુંદરામાંથી પોર્ટ તેમજ ખાનગી કંપનીઓનું પ્રમાણ વધારે હોવાથી કેટલાક લોકો ભુજથી અપડાઉન કરે છે પરંતુ ભુજ- મુંદરા વચ્ચે પુરતી બસ અવરજવર કરતી ન હોવાથી લોકો નાછુટકે આ રીતે ખાનગી વાહનોનો સહારો લેતા હોય છે. અમુક વખત તો સરકારી બસ સમય પર આવતી નથી. જયારે, ખાનગી મીની લકઝરીવાળા બેફામ ચલાવે છે. મુંદરાના લોકોને પણ આરોગ્ય તેમજ અમુક વહીવટી કામો માટે ફરજીયાત ભુજ આવવું પડતું હોય છે ત્યારે રસ્તાની હાલત સુધારવી અનિવાર્ય છે. ભુજ- મુંદરાનો ધોરીમાર્ગ ખરાબ હાલતમાં હોવાથી ઈમરજન્સીમાં દવાખાને જવા માટે તકલીફો પડે છે. આ રોડ ફોર લેન કરવાની તાતી જરૂરિયાત છે.
મુંદરામાં રાશાપીર સર્કલથી કરી આદર્શ ટાવર સુધીનો રસ્તો પણ ૪ લાઈન કરવાની જરૂર છે કારણ કે, આ રસ્તા પર ખુબ ટ્રાફિક રહે છે. કંપનીના વાહનો પણ આ જ રસ્તેથી પસાર થાય છે. ભુજથી ગાંધીધામ, ભચાઉ, મુંદરા, માંડવી, નખત્રાણા સહિત આખા કચ્છમાં ખાનગી મીની લકઝરીઓ બેફામ દોડે છે. જેમાં પેસેન્જર ક્ષમતા નક્કી હોતી નથી. આવી ઘટનાઓ ટાંકણે જ માત્ર કહેવાતી કામગીરી કાગળ પર થાય છે. મુંદરાથી અંજાર વચ્ચે પણ એસ.ટી.બસ અપુરતી હોઈ બસ વધારવાની જરૂર છે.
અકસ્માતના પગલે બીજા દિવસે ખાનગી પેસેન્જર વાહનો ગાયબ!
કેરા નજીક સર્જાયેલા અકસ્માતના બનાવ બાદ ટ્રાફિક પોલીસ- આરટીઓ કાર્યવાહી કરશે તેવા ડરથી આજે બીજા દિવસે ૬૦ ટકાથી વધુ ખાનગી પેસેન્જર વાહનો રોડ પર જોવા મળ્યા ન હતા. ખાસ કરીને ખાનગી લકઝરીવાળા ગાયબ થઈ ગયા હતા. જે રૂટ પર રોજે રોજ ખાનગી લકઝરીઓ દોડે છે. તે રૂટ પર આજે ખાનગી પેસેન્જર વાહનો ૬૦ ટકાથી ઓછા દોડયા હતા.
ખાવડા માર્ગે મીઠાની બેફામ ઓવરલોડ ગાડીઓથી થતા જીવલેણ અકસ્માતો
ટ્રેલરોની માફક ઈકો ગાડીમાં પણ બેફામ મુસાફરો ભરી બેદરકારીપૂર્વક હંકારાય છે
થોડા સમય પૂર્વે જ ખાવડામાં સ્થાનિક લોકોએ આવા વાહનો સામે રોષ દર્શાવીને વાહનોમાં તોડફોડ કરી હતી. ૨૪ કલાક મીઠાના ઓવરલોડ વાહનો દોડે છે, નાના બાઈક ચાલકો અકસ્માતનો ભોગ બને છે. રોડ પરથી અવારનવાર ટ્રેલરો ઉતરી જવા, સામેથી નાના વાહનો સાથે અથડાવા તેમજ ભેંસોને હડફેટે લેવી જેવી ઘટનાઓ પણ બનતી રહે છે. ત્યારે, કેરા નજીક સર્જાયેલી કરૂણાંતિકા ખાવડા માર્ગે બને તે પૂર્વે ટ્રાફિક પોલીસ, આરટીઓ કાર્યવાહી કરે તે જરૂરી છે.
સરહદી વિસ્તારમાં સોલાર પાર્કનું કામ ચાલું હોઈ હજારોની સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો ખાવડામાં વસ્યા હોવાથી ખાવડાથી ભુજ વચ્ચે ઈકો ગાડીની અવરજવર પણ વધી છે. ત્યારે, ખાવડાથી ઈકો ગાડીમાં પણ ક્ષમતા બહારના મુસાફરો ભરીને બેફામ દોડાવાય છે. જેની સામે પણ કાર્યવાહી થવી જરૂરી છે.