ડુમસ જમીન કૌભાંડ બાદ સુરત જિલ્લા કલેકટરની કાર્યવાહી, 85 મામલતદારોની સાગમટે બદલી કરી દેવાઈ

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
ડુમસ જમીન કૌભાંડ બાદ સુરત જિલ્લા કલેકટરની કાર્યવાહી, 85 મામલતદારોની સાગમટે બદલી કરી દેવાઈ 1 - image


Surat Dumas land Scam: સુરતના ડુમસની રૂ. 2 હજાર કરોડની સરકારી જમીન ખાનગી વ્યક્તિના નામે ચઢી ગયા બાદ તત્કાલિન કલેકટર આયુષ ઓક સામે સસ્પેન્શનની કાર્યવાહી બાદ સુરત જિલ્લા કલેકટર કચેરીમાં 85 નાયબ મામલતદારોની સાગમટે બદલીના હુકમ કરાયા છે. 

છેલ્લા ત્રણ કે તેથી દસ વર્ષ સુધી એન.એ, નવી-જુની શરત, ચીટનીશ, આરટીએસ સહિત વિવિધ ટેબલો પર ફરજ બજાવતા નાયબ મામલતદારોની કલેકટર કચેરીના કેમ્પસની બહાર બદલી કરી દેવાઈ છે. જેમાં યોગેશ પટેલ ઉર્ફે ટોપીની બદલી ચર્ચાનો વિષય બન્યો છે.

ડુમસ પ્રકરણમાં જિલ્લા કલેકટર આયુષ ઓક સસ્પેન્ડ

ડુમસ પ્રકરણમાં તત્કાલીન જિલ્લા કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ કર્યા બાદ જિલ્લા કલેકટર કચેરીમાં ત્રીજા, ચોથા અને પાંચમાં માળે આવેલી ચીટનીસ, એન.એ, આરટીએસ, જમીન સુધારણા, કુષિપંચ સહિતની વિવિધ કચેરીમાં ફરજ બજાવતા ડેપ્યુટી મામલતદારોની બદલીની તલવાર લટકતી હતી. જેમાં આજે મોડી રાત્રે સુરત જિલ્લા કલેકટર સૌરભ પારધીએ જાહેર હિતમાં વહીવટી કારણોસર 85 જેટલા ડેપ્યુટી મામલતદારોની બદલી કરી દેવાઈ હતી.

85 જેટલા ડેપ્યુટી મામલતદારોની બદલી

આ બદલીમાં જેડુમસનું પ્રકરણ ગાજ્યું હતુ તે આરટીએસ ટેબલ પર ફરજ બજાવતા હરદીપસિંહ સોંલકીને ચોર્યાસી મામલતદાર કચેરીમાં તો હસમુખ ચોપડાને ઉધના મામલતદાર કચેરીમાં બદલી કરી હતી. આ સિવાય પાંચમાં માળે ફરજ બજાવતા હિરેન પટેલ, રજની વૈષ્ણવ, રાકેશ જાદવ, સાગર ગામીત, સહદેવસિંહ તેમજ ચોથા માળે નવી જુની શરતની જમીનનું ટેબલ સંભાળતા હિરલ દિવાવાલા, હરીશ ઝીંઝાળા, હિતેશ દુધાત તમામની જિલ્લા કલેકટરના કેમ્પસમાંથી બહાર બદલી કરી દેવાઈ છે.

અન્ય અધિકારીઓની બદલીના પણ ભણકારા

કલેકટર કચેરીના સુત્રોના જણાવ્યા મુજબ આબદલીમાં સૌથી વધુ ચર્ચાનો વિષય છેલ્લા દસ વર્ષથી કલેકટર કચેરીના પાંચમા માળે ચીટકેલા યોગેશ પટેલ ઉર્ફે ટોપીના હુલામણા નામથી જાણીતા યોગેશ પટેલની બદલી ચર્ચાનો વિષય બન્યો હતો. કલેકટરાલયમાં 108 જેવી સેવા આપનારા આ કર્મચારીને ડિઝાસ્ટરમાં મુકી દેવાતા આખા કેમ્પસમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ડુમસ જમીન કૌભાંડ બાદ ખાસ કરીને કલેકટર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓની ફરિયાદો છેક ગાંધીનગર સુધી થઈ હોવાથી જિલ્લા કલેકટરે આકરા પગલા ભર્યા છે. આગામી દિવસોમાં મામલતદાર અને અન્ય અધિકારીઓની બદલીના પણ ભણકારા વાગી રહ્યા છે.

ડુમસ જમીન કૌભાંડ બાદ સુરત જિલ્લા કલેકટરની કાર્યવાહી, 85 મામલતદારોની સાગમટે બદલી કરી દેવાઈ 2 - image



Google NewsGoogle News